વાંકાનેર : જંજીર ફિલ્મના અમિતાભ બચ્ચનના રોલને પણ ઝાંખો પાડી દે તેવી બહાદુરીથી રીયલ લાઈફમાં પોલીસની નોકરી કરનાર ‘જંજીરવાલા ઝાલા’ નામે જાણીતા નિવૃત પોલિસ અધિકારી(ડી.એસ.પી.) એમ.એમ.ઝાલાનું 90 વર્ષની વયે નિધન થતાં પોલીસ બેડામાં અને તેમના વતન અરણીટીંબામાં શોકનો માહોલ છવાયો છે. મહેન્દ્રસિંહ મદારસિંહ ઝાલા ઉર્ફે જંજીરવાલાની બહાદુરીના અનેક કિસ્સા લોકમુખે ચર્ચાય છે. જામનગરમાં તેવોએ માનવભક્ષી દીપડા સાથે બાથ ભીડીને તેને ગોળીથી ઠાર મારી પ્રજાને ભયમુક્ત કરી હતી. તેમજ 1978માં પોરબંદરમાં ગેંગવોર ચરમસીમા પર હતી ત્યારે સરકારે એમ. એમ. ઝાલાને ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી થાળે પાડવા મુક્યાં હતા. ઝાલાએ એવી કામગીરી કરી કે ગેંગસ્ટરો જિલ્લો છોડીને ભાગી ગયા હતા. બાહોશ અધિકારી એમ. એમ. ઝાલાએ પ્રાથમિક શિક્ષણ અરણીટીંબા, માધ્યમિક શિક્ષણ વાંકાનેર તેમજ ભાવનગર શહેરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. 1956ની સાલમાં તેવો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી સિલેક્ટ થયા હતાં. પોલીસ ટ્રેનીંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમે આવ્યા હતા. 1958ની સાલમા વડોદરા થી પોસ્ટિંગ લઈ નોકરી શરૂ કરી અને મુંબઈ ACB માં પણ પોસ્ટિંગ હતું. 1968માં ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી. ઈ.સ.૧૯૮૬ માં અમદાવાદ શહેર પોલીસ તરીકે નિમણૂક થઇ ગયાં યશસ્વી કામગીરી પછી ૧૯૮૦માં ડીએસપી નું પ્રમોશન આપી ડેપ્યુટેશન ઉપર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માં નિમણૂંક થયેલ જ્યાં ગુજરાત સરકારે રીએપ્લોયમેન્ટ આપી વર્ષ 1990માં નિવૃત્તિ મેળવેલી. નિવૃત્તિ બાદ ઝાલા સાહેબ અમદાવાદમાં સ્થાયી થયાં હતાં તેમજ વતનની ખેતીવાડીની સારસંભાળ રાખી રહ્યાં હતાં. વર્ષ 1996માં અમદાવાદ ખાતે યોજાયેલ નિવૃત પોલીસ અમલદારોના સમારંભમાં એસ. એન. સિંહા નિવૃત્ત ડીજીપી ની અધ્યક્ષતા હેઠળ 'એક્સ પોલીસ એસોસિએશન' રજૂ કરાવ્યું અને આ સંસ્થાના પાયાથી હાલના ચણતર સુધી નિષ્ઠાપૂર્વક નિવૃત પોલીસ કર્મચારીઓનાં પ્રશ્નોના નિકાલની કામગીરી તથા સંસ્થાના નિભાવ માટે ફંડ એકઠું કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ માટે રાજપુત સ્ટડી સેન્ટરની સ્થાપના કરી સમાજને ઉચ્ચ શિક્ષણ મળે તે માટેના ઉમદા પ્રયાસો હાથ ધરેલ. “અમદાવાદમાં જંજીરવાલા ઝાલા નામ પડ્યું' 1973માં તેવોને અમદાવાદ સિટીમાં મુકવામાં આવ્યા હતા. 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન, કોમી તોફાન અને રોજીરોટી રમખાણ વખતે બહાદુરીથી ફરજ બજાવી ત્યારે તેમને જંજીરવાલા ઝાલાનું ઉપનામ મળ્યું હતું. “પોરબંદરના ગેંગસ્ટરો ભાગી ગયા' 1978માં પોરબંદરમાં ફાટી નીકળેલી ગેંગવોર દબાવવા તેમને મુકવામાં આવ્યા ગણતરીના દિવસોમાં ગેંગવોર શાંત થઈ ગઈ અને ગેંગસ્ટરો જિલ્લો છોડી ભાગી ગયા હતા. પહેલા જ્યાં ધાણી ફૂટે તેમ ગોળીબાર થતાં તે જિલ્લામાં ઝાલા સાહેબના નામથી શાંતિ થઈ ગઈ હતી. “દીપડા સાથે બાથ ભીડી ઠાર કર્યો' 1980માં જંજીરવાલા ઝાલાને ડીએસપી તરીકે જામનગર જિલ્લામાં મુક્યા હતા. તે સમયે કાલાવડ તાલુકાના બાલભડી ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા જંજીરવાલા ઝાલાએ બહાદુરીથી દીપડા સાથે બાથ ભીડી હતી. લડાઈમાં દીપડાને જમીન પર પટકી બંદૂકની ગોળીથી ઠાર કરીને પ્રજાને બચાવી હતી. “જીવન શૈલી પર “અગ્નિકાલ” ફિલ્મ બની' પોલીસ ખાતામાં બહાદુરી, નિષ્ઠા તેમજ વફાદારી પૂર્વક જાનના જોખમે પ્રજાનું રક્ષણ કર્યાના અનેક દાખલા જંજીરવાલા ઝાલાની જીવનશૈલીમાં હતા. જેના આધારે હિન્દી ફિલ્મ “અગ્નિકાલ” બની હતી.