મોરબી : મોરબીના રોહિદાસપરામાં રહેતા એક આધેડ તાપણું કરતી વખતે દાઝી ગયેલા હતા. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી શહેરમાં રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરામાં રહેતા 56 વર્ષીય દેવજીભાઇ પીંતાબરભાઇ બોસીયા ગત તા. 14 ડિસેમ્બરના રોજ સાંજના સાતેક વાગ્યે પોતાના ઘરે તાપણુ કરતા હતા. ત્યારે તાપણામાં કેરોશીન નાખતી વખતે વધારે આગ લાગતા શરીરે હાથે દાઝી ગયા હતા. આથી, તેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા. 24 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.