બેકાબુ ડમ્પર દ્વારા થતા અકસ્માતનો વણથંભ્યો સિલસિલો : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ચંદ્રપુર નજીકની ઘટના મોરબી : મોરબી જિલ્લામાં આરટીઓ અને પોલીસની કૃપાથી લોકો માથે મોત બનીને મંડરાતા કાળમુખા ડમ્પર ચાલકો દ્વારા અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં વાંકાનેર ચંદ્રપુર નજીક મીઠું પાન લેવા જઈ રહેલા બાળકને ડમ્પર ચાલકે ચગદી નાખતા મોત નીપજતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. દરેક અકસ્માતની જેમ આ અકસ્માતમાં પણ ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મોરબીના વીસીપરા ફુલછાબ કોલોનીમાં અને હાલમાં વાંકાનેર ચંદ્રપુર નજીક મીરાનીનગરમાં રહેતા વસીમભાઈ ઉર્ફે લાલો રફીકભાઈ બ્લોચનો પુત્ર અયાઝ ઉ.14 ગત તા.6ના રોજ ચંદ્રપુર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ સુપર પાન નામની દુકાને મીઠું પાન લેવા જતો હતો ત્યારે ડમ્પર નંબર GJ-36-T- 5546ના ચાલકે પુરઝડપે વાહન હંકારી અયાઝને હડફેટે લેતા ડમ્પરના જોટામાં આવી જતા આયાઝનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે આ ગંભીર અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. હાલ અકસ્માત અંગે મૃતક અયાઝના પિતા વસીમભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ- ૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..