માંડ માંડ ચાલી શકતા માતા ઉપર સિતમ ગુજારવા અંગેનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી મોરબી : મોરબીના કાંતિપૂર ગામમાં કળિયુગી કપાતર પુત્રએ વૃદ્ધ માતાને સાવરણી વડે મારવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે તાલુકા પીઆઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ અટકાયતી પગલાં ગત ગુરુવારે જ લેવાઈ ગયા છે મોરબી તાલુકાના કાંતિપુર ગામમાં રહેતા રંભાબેન નામના વૃધ્ધા એક જ ફળિયામાં રહેતા અમૃતભાઈ નામના પોતાના બીજા પુત્રના ઘેર જતા જેમની સાથે રહે છે તેવા મનસુખભાઇનો પીતો છટક્યો હતો અને માતાને સાવરણી વડે માર માર્યો હતો જેનું વિડીયો શૂટિંગ તેમના દિકરાએ કરી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા કળિયુગી કપાતર પુત્ર વિરુદ્ધ ચોતરફ ફિટકાર વરસી રહ્યો છે. આ મામલે કાંતિપૂર ગામના સરપંચ ઈશ્વરભાઈ ક્લોલાએ જણાવ્યું હતું કે, ઘટના વીસેક દિવસ પહેલાની છે અને બે ભાઈઓ વચ્ચેના કૌટુંબિક પ્રશ્નમાં આ ઘટના બની હોવાનું અને જે તે સમયે પોલીસે કપાતર પુત્ર વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લીધા હોવાનું તેમણે ઉમેર્યું હતું. દરમિયાન આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો અંગે ગત ગુરુવારે પોલીસ કાર્યવાહી કરી વૃધ્ધાના અમૃતભાઈ નામના પુત્ર વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ અને સાવરણીથી માર મારનાર મનસુખભાઇ અને તેમની પુત્રી વિરુદ્ધ કાર્યવાહી કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.