પૂર્વ ધારાસભ્યએ આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી મોરબી : મોરબીના મચ્છુ ડેમ પાસેના પુલ નીચે નદીમાંથી અસંખ્ય મરધાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે આ મૃત મરઘઓને કોણ નદીમાં ફેંકી ગયું તે અંગે તંત્ર પણ અજાણ છે. હાલ તો પશુ પાલન વિભાગે મૃત મરઘઓની સલામત જગ્યાએ દફનવિધિ કરી દેવામાં આવી છે. મોરબીના મચ્છુ-2 ડેમની સામેના રફાળેશ્વરથી મોરબી તરફ આવવા માટેના બેઠાપુલ નીચે નદીમાંથી આજે અસંખ્ય મરઘાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આજે મૃત મરઘાને અહીં નદીમાં કોઈ નાખી ગયું હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. સ્થાનિક લોકોએ આ અંગેની પોલીસ અને આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગને જાણ કરતા પશુપાલન વિભાગ અને પોલીસ તથા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીમાંથી તરતા મરધાઓના મૃતદેહોને બહાર કાઢીને યોગ્ય તપાસ કરીને આ તમામ મૃત મરઘઓની સલામત જગ્યા જેસીબીથી ઊંડો ખાડો ખોદી તેમાં ખાસ કેમિકલનો છટકાવ કરીને દફનવિધિ કરી દેવા આવી હતી. આ અંગે પશુપાલન વિભાગના ડો.ભોરણીયાએ જણાવ્યું હતું કે 25 જેટલા મૃત મરઘાઓ મળી આવ્યા હતા. કદાચ બાજુમાં મરઘાંનું ટ્રેડીંગ કરતા પોલટ્રી ફોર્મ વાળાએ આ મૃત મરઘાનો નિકાલ કર્યો હોય એવી શંકા છે. હજુ આ બાબતે નક્કર કડી મળી નથી. ગતરાત્રે જ મૃત મરઘાંનો નિકાલ કર્યો હોય તેવી શકયતા છે. જ્યારે આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાના ધ્યાને આ વાત આવતા તેઓએ સિંચાઈ વિભાગ, નગરપાલિકા કચેરી તથા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મૃત મરઘાના નિકાલ કરવા નાશ કરવા માટે ઘટતી કાર્યવાહી ત્વરિત કરવા જણાવ્યું હતું. સાથે આ મરઘા કોણ નાખી ગયું, એનો શુ હેતુ હતો તેની સઘન તપાસ કરવા કલેક્ટર અને પોલીસ તંત્રને રજુઆત કરી જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી.