લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો પરિવાર દુકાને ગયો હતો ત્યારે અજાણ્યા તસ્કરોએ કબાટના તાળા તોડી હાથફેરો કર્યોટંકારા (મોરબી અપડેટ): ટંકારા શહેરમાં ધોળા દિવસે લાખો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને કટલેરીની દુકાન ચલાવતા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો 2,47,600 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.મળતી વિગત મુજબ, ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 7 માં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ. 41) ગત 16 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે તેમના પત્ની અને પુત્રવધૂ સાથે કન્યા શાળા સામે આવેલી પોતાની કટલેરીની દુકાને ગયા હતા. આ દરમિયાન બપોરે 2 થી સાંજના 5:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનમાં પ્રવેશ કરી હાથફેરો કર્યો હતો. તસ્કરોએ રૂમમાં રહેલા લોખંડના કબાટના તાળા તોડી તેમાંથી 1,38,600 રૂપિયાની કિંમતના આશરે 998 ગ્રામ ચાંદીના દાગીના (જેમાં કળી, છડા, સાંકળા અને મંગળસૂત્ર) તેમજ 1,09,000 રૂપિયાની કિંમતની 9 ગ્રામ સોનાની બુટી મળીને કુલ 2,47,600 રૂપિયાના મુદામાલની ચોરી કરી હતી.સાંજે તેમના પિતરાઈ ભાઈનો ફોન આવતા ઘરે જઈને તપાસ કરી હતી, જ્યાં સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ બનાવ અંગે સુનીલભાઈ રાઠોડે 18 સપ્ટેમ્બરના રોજ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Tankara #Theft #CrimeNews #DaylightRobbery #TankaraPolice #GujaratPolice