આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને આ દિવસે ૠષિ બોધોત્સવ પર્વ ઉજવાય છે ટંકારા : ટંકારામાં સામાન્ય ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કરશનજીભાઇ ત્રિવેદીના ઘરે 12 ફેબ્રુઆરી, 1824ના રોજ જન્મેલા મૂળશંકર નામના બાળકને ચૌદ વર્ષની ઉમરે મહાશિવરાત્રિની મધ્યરાત્રીના ચારપ્રહરે શિવમંદિરમાં શિવપૂજા દરમિયાન શિવલિંગ ઉપર ઉંદરને ફરતો જોવા મળ્યો હતો. આ દૃશ્ય જોઈને મૂળશંકરે અંતરાત્માનો અવાજ સાંભળી ઘર-પરિવાર ત્યાગી અને પોતાનુ ગામ છોડીને શિવની શોધમાં નિકળી પડયા હતા. દયાનંદ સરસ્વતીએ ભારતભ્રમણ કરીને સમય જતા આર્ય સમાજની સ્થાપના કરીને વૈદિક ધર્મ સ્થાપ્યો હતો. અને સમાજમા પ્રવર્તતી કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત મહર્ષિ દયાનંદ સરસ્વતી તરીકે ઓળખ પામ્યા હતા. સૌ પ્રથમ દયાનંદ સરસ્વતીએ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી. મહર્ષિએ સત્યાર્થપ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરી હતી. સને 1959માં પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમયના ટંકારાના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવા લાખ રૂપિયામા ખરીદી આર્ય સમાજ સંસ્થાને અર્પણ કર્યો હતો. અને ત્યારથી ટંકારામા આર્ય સમાજની શરૂઆત થઇ હતી. તે સમયથી આર્ય સમાજ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયાનું માનીને ૠષિ બોધોત્સવ પર્વ ઉજવવામા આવે છે. દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી આર્ય સમાજ સંસ્થા દ્વારા કરાઈ છે. દેશભરના જુદા-જુદા પ્રાંતમાંથી આર્ય સમાજના લોકો ઉમટી પડે છે. અને મહર્ષિની જન્મભૂમિમાં પધારી ચારધામની યાત્રા જેટલુ પૂણ્ય કમાયાની લાગણી અનુભવે છે.