દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની બંસી મારુ અને નાલંદા વિદ્યાલયની સાક્ષી બંસલ હવે તમિલનાડુ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મોરબીનું ગૌરવ વધારશેમોરબી અપડેટ : મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની બંસી મારુ અને નાલંદા વિદ્યાલયની વિદ્યાર્થીની સાક્ષી બંસલે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત પશ્ચિમ ઝોન CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) અંડર-17 ગર્લ્સ ક્રિકેટ ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. ભોપાલમાં યોજાયેલી આ ટ્રાયલ્સમાં બંને ખેલાડીઓએ પશ્ચિમ ઝોન ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે સતત 3 કઠિન રાઉન્ડ સફળતાપૂર્વક પાસ કર્યા હતા.બંસી મારુ અને સાક્ષી બંસલ છેલ્લા 1 વર્ષથી મોરબી ખાતે આવેલી ધ રોર ક્રિકેટ ક્લબમાં સઘન તાલીમ લઈ રહી છે. ભોપાલ ખાતે યોજાયેલ સિલેક્શન પ્રક્રિયામાં તેઓએ પોતાની ઘાતક ઝડપી બોલિંગ અને શાનદાર બેટિંગથી પસંદગીકારોને અત્યંત પ્રભાવિત કર્યા હતા અને પશ્ચિમ ઝોન ટીમમાં એન્ટ્રી મેળવી હતી. હવે આ બંને ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે મોરબી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે.આ ઐતિહાસિક સિદ્ધિ અંગે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના ઓવરઓલ ઇન્ચાર્જ અને ધ રોર ક્રિકેટ ક્લબના ડિરેક્ટર ડૉ. અલી ખાને જણાવ્યું હતું કે, સતત બીજા વર્ષે મોરબીની દીકરીઓએ ઝોનની ટીમમાં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે સૌમ્યા પાલે આ સિદ્ધિ મેળવી હતી અને હવે બંસી તેમજ સાક્ષીની આ સફળતા તેમની સખત મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેના જુસ્સાનું પરિણામ છે. આગામી CBSE રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ 16 થી 24 ઓક્ટોબર દરમિયાન તમિલનાડુના મદુરાઈ શહેરમાં યોજાશે, જ્યાં બંને ખેલાડીઓ પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.દીકરીઓની આ ઝળહળતી સફળતા બદલ નાલંદા વિદ્યાલયના રમતગમત પ્રમુખ રાજનારાયણ દ્વિવેદીએ બંસી અને સાક્ષીના પરિવારજનો, તેમના કોચ અને તમામ શુભેચ્છકોને આ ઐતિહાસિક સિદ્ધિ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #WomenCricket #Under17Cricket #CBSECricket #WestZoneCricket #ProudMorbi #MorbiSports #GujaratCricket #DelhiWorldPublicSchool #NalandaVidyalaya #TheRoarCricketClub