મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પર કચરો નાખનારા કે પાણી ઢોળનારા વ્યક્તિઓ અને વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે 'દીવા તળે અંધારું' જેવો ઘાટ સર્જાયો છે.મહત્વનું છે કે, મોરબી મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી (રેનબસેરા) ખાતેની ઓફિસની બહાર છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગટરનું પાણી રેનબસેરામાંથી જ નીકળીને રોડ પર ફેલાય છે, જેના કારણે અડધો રોડ ગંદા પાણીથી ભરાઈ ગયો છે. આ સતત ભરાયેલા ગટરના પાણીને કારણે રેનબસેરામાં આશરો લેતા નિરાશ્રિતો તેમજ રોડ પરના દુકાનદારોને મચ્છરોના ઉપદ્રવના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આશ્ચર્યની વાત એ છે કે, આ જ ઇસ્ટ ઝોન કચેરીમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓની મહત્વની મીટિંગો યોજાય છે. વળી, અધિકારીઓ દિવસમાં ત્રણથી ચાર વખત આ રસ્તા પરથી પસાર થાય છે, તેમ છતાં તેમની કચેરીની બહાર જ ફેલાયેલા આ ગટરના ગંદા પાણી અને લોકોને પડતી હાલાકી પર તેમનું ધ્યાન કેમ નથી ગયું તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.