તંત્રએ રીપેરીંગ કર્યાના થોડા દિવસોમાં ફરી અગાઉ જેવો જોખમી ખાડો થઈ જવાથી વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ મોરબી : મોરબીમાં સિવિલ હોસ્પિટલ સામેના જાહેર રોડ ઉપર પડેલા ખાડા ઉપર અગાઉ તંત્રએ રીપેરીંગના નામે કરેલા થુંકના સાંધાની પોલ ખુલી ગઈ છે. જેમાં આ જોખમી ખાડામાં રીપેરીંગ કર્યાના થોડા દિવસોમાં ફરી અગાઉ જેવો જ ખાડો પડી ગયો હતો. આથી, તંત્રની કામ કરવાની દાનત જ હોવાની પોલ ઉઘાડી પડતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીના જાગૃત નાગરિકે તંત્ર સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, મોરબીની સિવિલ હોસ્પિટલ સામે ગાંધી ચોક ઉપર જાહેર માર્ગમાં જોખમી ખાડો પડી ગયો છે. આ ખાડો કોઈને ભોગ લે તેવી ગંભીર પરિસ્થિતિ છે. આ માર્ગ ઉપર સેંકડો વાહનો નીકળે છે. તેથી, ખાડાને કારણે વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે અગાઉ મોરબી અપડેટમાં આ અંગેનો સવિસ્તારમાં અહેવાલ પ્રગટ થયો હતો. તેથી, તંત્ર હરકતમાં આવ્યું હતું અને ખાડાનું રીપેરીંગ કર્યું હતું. પણ તંત્રએ ખાડામાં રીપેરીંગના નામે થુંકના સાંધા જ કર્યા હતા. તેથી, તંત્રની થોડા દિવસોમાં જ પોલ ખુલ્લી ગઈ હતી અને આ સ્થળે અગાઉ જેવો જ ફરી જોખમી ખાડો પડી ગયો છે. જોખમી ખાડો ફરી પડી જવાથી વાહન ચાલકો ઉપર ઘાત યથાવત રહી છે. સાથેસાથે તંત્રની પોલ ઉઘાડી પડતા લોકોમાં રોસ ભભૂકી ઉઠ્યો છે. તેથી, તંત્ર આ ખાડાની યોગ્ય મરમત્ત કરે તેવી તેઓએ માંગ ઉઠાવી છે.