સીટી એ ડિવિઝન સ્ટાફે મહેન્દ્રપરામાંથી આરોપીને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા મોરબી : મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા શનાળા રોડ ઉપર રસ્તે ચાલતા વાહનોને અવરોધી સરાજાહેર સ્ટન્ટ કરનાર બાઈક ચાલકને મોરબી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અત્રેના મહેન્દ્રપરામાંથી ઝડપી લઈ મોટર વ્હીકલ એક્ટ તથા આઇપીસી કલમો મુજબ ગુન્હો નોંધી ખતરો કે ખિલાડી બનવા બદલ હવાલાતની હવા ખવડાવી છે. જો કે પોલીસના હાથે ઝડપાયેલ આ કહેવાતા સ્ટન્ટમેને વિડીયો છ મહિના જૂનો હોવાની કેસેટ વગાડી છે ત્યારે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અન્ય વીડિયોની પણ ગંભીર નોંધ લીધી છે. મોરબીના શનાળા રોડ ઉપર એસટી બસ રીક્ષા સહિતના વાહનોને થંભાવી દઈ ગોળ ગોળ ઘૂમેળાં મારી પોતાની જાતને હોલીવુડ સ્ટાર તરીકે ઓળખાવવા પ્રયાસ કરી સીન નાખનાર કહેવાતા સ્ટંટમેનની હવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાઢી નાખી છે. એમએક્સ ટકા ટક નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકોની જિંદગી જોખમાઈ તે રીતે બાઈક ચલાવનાર ઈસમના કરતૂતો અંગે મોરબી અપડેટમાં વિડીયો સહિતના સમાચાર પ્રસિદ્ધ થતા સીટી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારાએ ડી.સ્ટાફની ટીમોને કામે લગાડી સ્ટંટમેનને શોધી કાઢવા સૂચના આપતા ડી-સ્ટાફના આસિફભાઇ સહિતના સ્ટાફે શહેરના પંચાસર રોડના નાકે મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા મકવાણા ધનરાજસિંહ શાંતુભા નામના શખ્સને ઓળખી કાઢી ત્વરિત દબોચી લીધો હતો. શનાળા રોડ ઉપર આવન જાવન કરતા વાહનોને રોકી સીન સપાટા કરનાર મકવાણા ધનરાજસિંહ શાંતુભા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 279,મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને હાલ આરોપી હવાલાતની હવા ખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં આ ધનરાજ જેવા અનેક ખતરો કે ખિલાડીની રીતસરની ગેંગ છે અને વાર તહેવારે આવા શખ્સો ઉપરાંત કેટલાક બાપ કમાઈના બાબુડિયા છેલબટાઉગીરી કરી રસ્તે પસાર થતી માતા-બહેનોની છેડતી કરવામાં પણ કસર નથી છોડતા ત્યારે પોલીસના હાથે ઝડપાયેલ આ શખ્સ પાસેથી માહિતી ઓકાવી ધૂમ ગેંગની આકરી સરભરા કરવામાં આવે તેવું મોરબીના લોકો ઈચ્છી રહ્યા છે.