મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા કન્યા છાત્રાલય રોડ પર આવેલ પંચવટી સોસાયટી મેઇન રોડ પર પાણીની પાઈપલાઈનના કનેકશન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ આ ખાડો ખોદીને પુરવાની કામગીરી કરવામાં આવી ન હોય અકસ્માતનો ભય ઊભો થયો છે.મળતી વિગતો પ્રમાણે પંચવટી સોસાયટી મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન માટે મહાનગરપાલિકા દ્વારા એક ખાડો ખોદવામાં આવ્યો હતો. આ જગ્યાએથી જ નવયુગ વિદ્યાલય સહિતની શાળાઓ આવેલી છે. ત્યાં કનેક્શન આપવાનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે. કનેક્શન આપવાની કામગીરી કરવા માટે ખોદવામાં આવેલો ખાડો તેમને તેમ રાખી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની આડશ પણ મૂકવામાં આવી નથી કે કામ ચાલુ છે તેવું બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી. આ રોડ પર સતત લોકોની અને વાહનોની અવર-જવર રહેતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ કે અન્ય લોકોને પડી જવાનો કે અકસ્માતનો ભય ઉભો થયો છે. લોકોએ આ જગ્યાએ યોગ્ય કામગીરી કરવા માંગ કરી છે.