મોરબી : મોરબી શહેરમાં વીજ તંત્રની બેદરકારીના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોરબીના સામાકાંઠે જૂની પોસ્ટ ઓફિસ પાસે એક ખુલ્લી વીજ પેટી લોકોના જીવ માટે મોટો ખતરો બની ગઈ છે અને તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જુની પોસ્ટ ઓફિસ પાસે આવેલી ચાની લારીની બિલકુલ બાજુમાં જ એક વીજ પેટી (ડીપી) આવેલી છે. આ વીજ પેટી સાવ જર્જરિત અને કાટ ખાધેલી હાલતમાં છે, એટલું જ નહીં પરંતુ તેનો દરવાજો સંપૂર્ણપણે ખુલ્લો છે અને અંદરના જીવતા વાયરો બહાર દેખાઈ રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ વીજ પેટી જમીનથી સાવ નીચેની તરફ છે, જેના કારણે ત્યાં રમતા કે રસ્તા પરથી પસાર થતા કોઈ નાના બાળકનો હાથ પણ તેને સરળતાથી અડી શકે તેમ છે.ચોમાસાની ઋતુમાં જ્યારે કરંટ લાગવાના બનાવો વધુ બનતા હોય છે, ત્યારે આ રીતે ખુલ્લી પડેલી વીજ પેટી કોઈપણ સમયે કોઈ નિર્દોષનો જીવ લઈ શકે છે. અહીંથી રોજેરોજ મોટી સંખ્યામાં લોકો પસાર થતા હોય છે અને ચાની લારી પાસે લોકોની ભીડ પણ રહેતી હોય છે, ત્યારે આ ખુલ્લી પેટી એક 'જીવતા બોમ્બ' સમાન બની ગઈ છે.જાગૃત નાગરિકો દ્વારા આ ગંભીર બાબતે તંત્રનું ધ્યાન દોરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે વીજ તંત્ર (PGVCL) દ્વારા તાત્કાલિક ધોરણે આ ખુલ્લી વીજ પેટીને બંધ કરવામાં આવે અથવા તેનું યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય. શું તંત્ર કોઈનો જીવ ગયા પછી જ જાગશે? તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #PGVCL #CivicIssue #ElectricityHazard #MorbiPostOffice #PublicSafety #Negligence #MorbiCity