મોરબી : મોરબીમાં અનેક વાહનચાલકો નિયમોના ધજાગરા ઉડાવીને વાહનો ચલાવી રહ્યા છે. ખાસ કરીને ડમ્પર જેવા મોટા વાહનોના કારણે અનેક નાના વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીના જુના આરટીઓ પાસે હાઈવે પર બેફામ ચાલતા ડમ્પરનો વીડિયો વાયરલ થયો છે.જાગૃત કાર ચાલકે આ વીડિયો ઉતાર્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, હાઈવે પર બેફામ રીતે ડમ્પર ચાલક ડમ્પર ચલાવી રહ્યો છે. ડમ્પરમાંથી માટી પણ રસ્તા પર પડી રહી છે જેના કારણે પાછળ આવતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે. આ ડમ્પર નંબર પ્લેટ વિના ચાલી રહ્યું હોવાનું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે આવા વાહનચાલકો સામે તંત્ર કેમ કોઈ પગલાં લેતું નથી તે મોટો પ્રશ્ન છે. વાહનચાલકો કહી રહ્યા છે કે, નિયમ વિરુદ્ધ ચાલતા આવા વાહનચાલકો સામે કડક પગલાં ભરવા જોઈએ.