ઉચ્ચતમ ડિલિવરીમાં એક્સચેન્જ પર નોંધાયેલા ગોલ્ડ રિફાઇનર્સની 190 કિગ્રા સોનાની ડિલીવરી : વિવિધ 11 કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત વાયદાનાં કામકાજ માટે વિભિન્ન કોમોડિટીઝના નવા કોન્ટ્રેક્ટ્સ તથા સીપીઓ અને કોટનમાં એલટીપી આધારિત સ્પ્રેડ ટ્રેડિંગ સુવિધા ઉપલબ્ધ મુંબઇ, ૨ એપ્રિલ ૨૦૨૧: દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવાર, ૨ એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે નિમિત્તે જાહેર રજા હોવાથી બંને સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા. દરમિયાન, સોનામાં એક જ દિવસમાં સૌથી વધુ ૬ વર્ષની ઉચ્ચતમ ડિલિવરી નોંધાઈ છે. આ સાથે એક્સચેન્જે એક પરિપત્ર મારફત વિવિધ ૧૧ કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત કર્યા હોવાનું જણાવ્યું છે.એમસીએક્સ પર એપ્રિલ એક્સપાયરીના સોનાના કોન્ટ્રેક્ટ્સની ડિલીવરીમાં ડિલિવરીના પ્રથમ દિવસે ૧ કિગ્રા ગોલ્ડ કોન્ટ્રેક્ટ્સ અને ગોલ્ડ મિની ૧૦૦ ગ્રામ કોન્ટ્રેક્ટ્સમાં મળીને રૂ.૮૮૭.૪૦ કરોડની કીમતની ૨,૦૩૫ કિ.ગ્રા. સોનાની ડિલીવરી નોંધાઈ હતી, જે એક જ દિવસના થયેલા ડિલીવરી વોલ્યુમમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. એમસીએક્સના સોનું મિની (૧૦૦ ગ્રામ) એપ્રિલ કોન્ટ્રેક્ટમાં સ્થાનિક ધોરણે રિફાઇન કરેલા સોનાના ૧૦૦ ગ્રામની લગડીના સ્વરૂપમાં ૧૯૦ કિગ્રાની ડિલીવરી એક્સચેન્જ પર જોવા મળી હતી, જે એક નોંધપાત્ર બાબત છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ એક્સપાયરીમાં એમસીએક્સના નોંધાયેલા ઘરેલૂ રિફાઇનર્સ પાસેથી સ્થાનિક ધોરણે રિફાઇન કરેલ સોનાની પ્રથમ ડિલીવરી સાયકલમાં આ ડિલિવરી નોંધાઈ છે. આત્મનિર્ભર ભારત મિશનને પગલે એમસીએક્સે અગાઉ બીઆઇએસ સ્ટાન્ડર્ડ સોના/ચાંદી માટેના એમસીએક્સ ગુડ ડિલીવરીના ધોરણો જાહેર કર્યા હતા, જેણે ઘરેલુ બુલિયન માટે એક્સચેંજના પ્લેટફોર્મ પર ગુડ ડિલીવરી તરીકે માન્યતા પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. આ અગાઉ ફક્ત લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન (એલબીએમએ) માન્ય રિફાઇનર્સની સાથે એમિરેટ્સ ગોલ્ડની બુલિયન લગડીઓની જ એક્સચેંજ પર ડિલીવરી થઇ શકતી હતી. હાલમાં બે ઘરેલુ રિફાઇનર્સ - મેસર્સ એમ ડી ઓવરસીઝ પ્રા. લિમિટેડ (રૂદ્રપુર, ઉત્તરાખંડ) અને મેસર્સ કુંદન કેર પ્રોડક્ટ્સ લિમિટેડ (હરિદ્વાર, ઉત્તરાખંડ)ને સોનું મિની (૧૦૦ ગ્રામ્સ) ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ માટેની એમસીએક્સની ગુડ ડિલીવરી યાદીમાં સમાવવામાં આવ્યા છે. એમસીએક્સના એમડી અને સીઇઓ પી.એસ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ એક નોંધપાત્ર કહી શકાય તેવી પ્રગતિ છે જે દેશમાં સંગઠિત બુલિયન વેપારના વિસ્તરણમાં સહાય કરે છે. વધુમાં તે ભાવ અસમાનતામાં ઘટાડો કરીને બજારની કાર્યક્ષમતાને વેગ આપે છે અને એક્સચેન્જ ગ્રેડના વધુ સ્થાનિકમાં ઉપલબ્ધ/રિસાયકલ કરેલા સોનાને લાવીને ઘરેલૂ ઉદ્યોગ સાથે એક્સચેન્જની ઈકો-સિસ્ટમને વધુ સંકલિત કરે છે. વધુમાં, સ્થાનિક રિફાઇનર્સ કાર્યક્ષમ પારદર્શક ભાવ શોધ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેના લાભો ઉઠાવવા માટે સક્ષમ બનશે. એમસીએક્સ ગુડ ડિલીવરી નોર્મ્સને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારના રાખવામાં આવ્યા છે જે મૂળભૂત પાત્રતાના માપદંડ, ટેકનિકલ ક્વોલિફિકેશન ઓડિટ્સ, નાણાંકીય ઓડિટ્સ, જવાબદાર સોર્સીંગ માર્ગદર્શિકા સાથે સતત અનુપાલ જરૂરિયાતોને ઓઇસીડી સાથે સમાયોજિત કરવામાં આવી છે. વધુમાં તે બીઆઇએસ ઇન્ડિયા ગુડ ડિલીવરી સ્ટાન્ડર્ડ આઈએસ: ૧૭૨૭૮ની પુષ્ટિ પણ કરે છે. એમસીએક્સે પ્રારંભથી લઇને અત્યાર સુધીમાં ૧૨૧ ટનથી વધુ સોનાની અને ૩૮૦૦ ટન ચાંદીની ડિલીવરી કરી છે. આ ઉપરાંત એક્સચેન્જે ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પાકેલા વિવિધ ૧૧ કોમોડિટીઝના વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિત કર્યા છે, જે હેઠળ ગોલ્ડ-ગિનીના વાયદાનો પાકતી તારીખનો ભાવ ૮ ગ્રામદીઠ રૂ.૩૫,૩૩૭, ગોલ્ડ-પેટલનો ૧ ગ્રામદીઠ રૂ.૪,૪૧૮, એલ્યુમિનિયમનો કિલોદીઠ રૂ.૧૮૦.૮૫, તાંબાનો કિલોદીઠ રૂ.૬૭૯.૫૦, સીસાનો કિલોદીઠ રૂ.૧૬૪.૨૫, નિકલનો કિલોદીઠ રૂ.૧,૨૦૫.૭૦, જસતનો કિલોદીઠ રૂ.૨૨૩.૭૦, રૂ (કોટન)નો ગાંસડીદીઠ રૂ.૨૧,૫૬૦, ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ૧૦ કિલોદીઠ રૂ.૧,૧૩૨.૪૦, મેન્થા તેલનો કિલોદીઠ રૂ.૧,૦૭૩.૫૦ અને રબરનો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૯૮૦ નિર્ધારિત કર્યો છે. આ ઉપરાંત એક્સચેન્જે ગુરૂવાર, ૧ એપ્રિલથી ગોલ્ડ-ગિની અને ગોલ્ડ-પેટલ પ્રત્યેકમાં જુલાઈ-૨૦૨૧ કોન્ટ્રેક્ટ્સ, એલ્યુમિનિયમ, તાંબુ, સીસું, નિકલ અને જસત પ્રત્યેકમાં ઓગસ્ટ-૨૦૨૧ કોન્ટ્રેક્ટ્સ, મેન્થા તેલમાં સપ્ટેમ્બર-૨૦૨૧ કોન્ટ્રેક્ટ, ક્રૂડ પામતેલ (સીપીઓ) અને રબર પ્રત્યેકમાં ઓગસ્ટ-૨૦૨૧ કોન્ટ્રેક્ટ્સ, કપાસમાં એપ્રિલ-૨૦૨૨ કોન્ટ્રેક્ટ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યા છે. આ સાથે જ એક્સચેન્જે ક્રૂડ પામતેલ (સીપીઓ) અને રૂ (કોટન)ના વાયદા કોન્ટ્રેક્ટ્સમાં એલટીપી આધારિત સ્પ્રેડ ટ્રેડિંગ સુવિધા પણ ઉપલબ્ધ બનાવી છે. જે હેઠળ સીપીઓમાં એપ્રિલ૨૧-જૂન૨૧ તેમ જ મે૨૧-જૂન૨૧ કોમ્બિનેશન અને કોટનમાં એપ્રિલ૨૧-જૂન૨૧ તેમ જ મે૨૧-જૂન૨૧ કોમ્બિનેશન સ્પ્રેડ ટ્રેડિંગ સુવિધા માટે ઉપલબ્ધ બનાવ્યા છે.