નેચરલ ગેસનો દૈનિક 10 લાખ ક્યુબીક મીટર અને પ્રોપેનનો વપરાશ 50 લાખ ક્યુબીક મીટર પર સીમિત થયોમોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પર અમેરિકા - ઇરાન વચ્ચેનું યુદ્ધ હાવી થઈ રહ્યું હોય તેવી સ્થિતિમાં મંદીના ડાકલા વાગવાની શરૂઆત થઈ ચૂકી છે, ગેસના વધતા ભાવ ઉપરાંત સિરામિક પ્રોડકટનું એક્સપોર્ટ બંધ થતાં છેલ્લા દસ દિવસમાં જ ગેસ વપરાશમાં ધરખમ ઘટાડો આવ્યો હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પ્રોપેન અને નેચરલ ગેસમાં ભાવ વધારો આવ્યા બાદ દૈનિક વપરાશ 70 લાખ ક્યુબીક મીટર થયો હતો જે તા.12 સુધીમાં 10 લાખ ઘટીને 60 લાખ ક્યુબીક મીટર પ્રતિદિન થયો હોવાના આંકડા સામે આવ્યા છે.અમેરિકા - ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ફેબ્રુઆરી - માર્ચ માસથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પર ગેસનું સંકટ ઉભું થયા બાદ એપ્રિલ, મે અને જૂન માસ દરમિયાન ગેસ સપ્લાય રૂટિન રહેવાની સાથે અમેરિકા - ઈરાન વચ્ચે સીસફાયરને પગલે વૈશ્વિક શાંતિની સ્થિતિમાં એક્સપોર્ટ પણ વધ્યું હતું.જો કે, 60 દિવસનું સીસફાયર ભાંગી પડતા ફરી યુદ્ધની સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગેસના ભાવ વધારા ઉપરાંત અશાંત વૈશ્વિક માહોલમાં એક્સપોર્ટ ઠપ્પ થઈ જતા સંકટના વાદળો ઘેરાયા છે.મહત્વનું છે, જુલાઈ માસ દરમિયાન મોરબી સિરામિક ક્લસ્ટરમાં ગેસનો દૈનિક વપરાશ ઐતિહાસિક આંકડાને સ્પર્શી ગયો હતો અને નેચરલ ગેસ તેમજ પ્રોપેનનો કુલ વપરાશ પ્રતિદિન 85 લાખ ક્યુબીક મીટર પહોંચી ગયો હતો.જો કે, બાદમાં યુદ્ધની સ્થિતિમાં નેચરલ ગેસના ભાવ વધવાની સાથે જ સમુદ્રી માર્ગ અસુરક્ષિત બનતા હાલમાં મોરબી સિરામિક ક્લસ્ટરનું એક્સપોર્ટ બિલકુલ બંધ થવાની કગાર પર પહોંચ્યું છે.બીજીતરફ સપ્ટેમ્બર માસમાં ફરી ગુજરાત ગેસના પાઇપલાઇન નેચરલ ગેસ અને ભારત સરકારની ઓઇલ કંપનીઓ દ્વારા પ્રોપેનના ભાવમાં વધારો કરવામાં આવતા વૈશ્વિક પરિસ્થિતિમાં હચમચી ગયેલા સિરામિક ઉદ્યોગ માટે પોતાના એકમો ચલાવવા કઠિન બન્યા છે. સપ્ટેમ્બર માસમાં ગેસના ભાવમાં વધારો થયા બાદ નેચરલ ગેસનો દૈનિક વપરાશ 10 લાખ ક્યુબીક મીટર તેમજ પ્રોપેનનો વપરાશ 60 લાખ ક્યુબીક મીટર રહ્યો હતો.જો કે, હાલમાં ડોમેસ્ટિક તેમજ એક્સપોર્ટના વ્યાપાર બંધ હોવાથી અનેક એકમોએ પ્રોડક્શન સાયકલ ઘટાડી નાખી જે જે એકમોના ગોડાઉન ફૂલ થયા છે તેમને ગેસ વપરાશ ઘટાડી દેતા 10થી 12 દિવસમાં જ દૈનિક ગેસ વપરાશમાં 10 લાખ ક્યુબીક મીટરનો ઘટાડો થયો છે. જે સૂચવે છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ હવે ગેસના ભાવવધારા અને એક્સપોર્ટ થવાને કારણે મંદીની ગર્તામાં ધકેલાઈ રહ્યો છે.