યુવક અને યુવતીના પિતા પ્રેમી યુગલને વતનમાં લેવા રાજપર ગામે આવતા જ બન્નેએ રૂમ બંધ કરી દવા પીધી મોરબી : અજબ પ્રેમકી ગજબ કહાની જેવા કિસ્સામાં દાહોદથી પ્રેમિકા સાથે ભાગી ગયેલ પ્રેમીયુગલ મોરબીના રાજપર ગામે હોવાની જાણ થતા પરણિત પુરુષ અને તેની પ્રેમિકાના પરિવારજનો વતનમાં લઈ જવા માટે આવતા જ પ્રેમી યુગલે રુમમા પુરાઈ જઈ ઝેરી દવા ગટગટાવી લેતા યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું જયારે યુવાનની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળે છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ દાહોદના રાજપર ગામના હિંમત રામસીંગ પરમાર ઉ.30 અને તેની પ્રેમિકા ઉષા ભંવરસીંગ પરમાર ઉ.22 નામની યુવતી વચ્ચે પ્રેમસંબંધ પાંગરતા બન્ને વતન દાહોદ છોડી મોરબીના રાજપર ગામે ભાડાની ઓરડીમાં રહી મજૂરી કરવા લાગ્યા હતા. દરમિયાન હિંમત રામસીંગ પરમારના ભાઈ અને યુવતીના પરિવારજનોને પ્રેમી યુગલ રાજપર ગામે હોવાની જાણ થતા તમામ લોકો ગત તા.21ના રોજ મોરબીના રાજપર ગામે આવ્યા હતા અને બન્નેને વતનમાં લઈ જવા માટે સમજાવ્યા હતા.બીજી તરફ પ્રેમીયુગલને તેમના પરિવારજનો સાથે નહીં રહેવા દે તેવું લગતા બન્ને કપડાં લઈ લઈએ તેમ કહી રૂમમાં જતા રહ્યા હતા અને સજોડે ઝેરી દવા પી લેતા યુવતી ઉષા ભંવરસીંગ પરમાર ઉ.22નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જયારે યુવાન હિંમતની હાલત હાલમાં સ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુમાં તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, સજોડે દવા પી લેવાના આ બનાવમાં યુવાન હિંમત પરમાર પરણિત હોવાનું અને ત્રણ સંતાનનો પિતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.