તા. 5, 6 અને 7ના રોજ સવારે 10 થી 12:30 તેમજ 6 અને 7 નવેમ્બરે રાત્રે 8:30 થી 11 દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશેમોરબી: મોરબી આજે જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મજયંતી મહોત્સવનું યજમાન બન્યું છે. આ ભવ્ય મહોત્સવનો શુભારંભ 3 નવેમ્બરના રાતે 8:30 કલાકે પૂજ્ય દીપકભાઈ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શૃંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું પૂજ્ય દીપકભાઈના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહોત્સવને અનુરૂપ તેમજ દાદા ભગવાનની મૌલિક સમજણને વણી લેતા એક નાટક અને બાળકોના નૃત્યની રજૂઆતે ઉપસ્થિત જનમેદનીને રસતરબોળ કરી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું દિગ્દર્શન મિહિરભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. 4 નવેમ્બરના રોજ સવારે પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતીનો દિવસ દાદા ભગવાનના દેશ-વિદેશથી આવેલા હજારો અનુયાયીઓની હાજરીમાં ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતાં. આ દરમિયાન તેમણે પૂજ્ય દીપકભાઈ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતાં. રાત્રે 8:30 થી 11 કલાક દરમિયાન ભક્તિરસથી સભર પદગુંજનનો કાર્યક્રમ યોજાશે.મહોત્સવની ઉજવણી અંતર્ગત કાલે બુધવાર 5 નવેમ્બરના રોજ રાત્રે 7:30 થી 11 કલાક દરમિયાન આત્મસાક્ષાત્કાર થકી પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ કરાવતા ભેદજ્ઞાન પ્રયોગ - જ્ઞાનવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી આધુનિક જીવનશૈલી જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું સ્થાન સ્પર્ધાએ લીધું છે, ભણતર જ્યાં ભાર રૂપ છે અને કુટુંબ એ કલેશનું કારખાનું છે. તેવા આ યુગમાં સુખી થવાના હેતુથી માણસે જે કંઈ મેળવવા દોટ મૂકી છે તે ઝાંઝવાના જળ સમાન સાબિત થાય છે. જીવમાત્રની સુખની શોધનો અંત ત્યારે જ આવે છે જ્યારે શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે અને આ શાશ્વત સુખની પ્રાપ્તિ એટલે જ મોક્ષ. પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલ અક્રમ વિજ્ઞાન પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિના પાયા પર આધારિત છે. જ્ઞાનીપુરુષની કૃપાથી માત્ર બે જ કલાકમાં જ્ઞાનવિધિના વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ શક્ય બને છે અને આત્માનો અનુભવ થાય છે. ત્યાર બાદ ગમે તેવા સંજોગોના દબાણમાં “હું શુદ્ધ-આત્મા છું” એ પ્રતીતિ ખસતી નથી. અને તેથી જ જીવનમાં આધિ, વ્યાધિ કે ઉપાધિના સંજોગોમાં સમાધિનો અનુભવ થઈ શકે છે. આત્મ-અનુભવ સાથે સાથે આ અનોખું વિજ્ઞાન રોજબરોજના સાંસારિક પ્રશ્નો ઉકેલવા વ્યવહારિક ચાવીઓ પણ પૂરી પાડે છે, જેનાથી જીવનમાં શાંતિ અને આનંદ વર્તાય છે.મોરબીના રહેવાસીઓના પુણ્યોદયે તેમને ઘરઆંગણે આ અદભૂત વિજ્ઞાન જાણવા તેમજ તે માર્ગે ચાલવાની સમજ મેળવવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે. આત્મસાક્ષાત્કાર થકી દિવ્યદૃષ્ટિ પ્રદાન કરતી જ્ઞાનવિધિ એક એવો આધ્યાત્મિક પ્રયોગ છે જેમાં એક કલાકમાં આત્મા અને અનાત્માના ભેદ પાડતા વાક્યો બોલાવવામાં આવે છે, જેના થકી પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે. ત્યારબાદ આત્મજ્ઞાન સાથે વ્યવહારની ફરજો પૂરી પાડવાની સચોટ સમજણ આપતી પાંચ આજ્ઞા સમજાવવામાં આવે છે.આત્મસાક્ષાત્કાર માટે આ આખા પ્રયોગમાંથી પસાર થવું અગત્યનું છે. આ જ્ઞાનવિધિનો કાર્યક્રમ ઓનલાઈન બતાવવામાં નથી આવતો. કારણ કે, જેમ કાગળ પર દોરેલા દીવાને સાચો દીવો અડાવીએ તો આપણી જ્યોત પ્રગટે નહીં, તેમ જ્ઞાનપ્રાપ્તિ આત્મજ્ઞાનીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વિના શક્ય નથી. જ્ઞાનવિધિનો પ્રયોગ લાખો લોકોના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવનાર સાબિત થયો છે. આ આખો કાર્યક્રમ નિ:શુલ્ક છે અને તેનો લાભ દરેક ધર્મ કે સંપ્રદાયના લોકો લઈ શકશે.આ ઉપરાંત મહોત્સવ દરમ્યાન 5, 6 અને 7 નવેમ્બરના રોજ સવારે 10 થી 12:30 તેમજ 6 અને 7 નવેમ્બરે રાત્રે 8:30 થી 11 દરમિયાન પૂજ્ય દીપકભાઈ સાથે પ્રશ્નોત્તરી સત્સંગ પણ રહેશે. આ પ્રશ્નોત્તરી સત્સંગની ખાસિયત એ છે કે અહીં કોઈપણ વ્યક્તિ પોતાને મૂંઝવતા સંસારિક કે વ્યવહારિક પ્રશ્નો પૂછીને તેના સમાધાન પૂજ્ય દીપકભાઈ પાસેથી મેળવી શકે છે.મહોત્સવ સ્થળે ઊભી કરવામાં આવેલી “જોવા જેવી દુનિયા”ના દ્વાર 9 નવેમ્બર સુધી રોજ સાંજે 4:30 થી રાત્રે 11 કલાક સુધી ખુલ્લા રહેશે.આ મહોત્સવની વધુ જાણકારી આપ અમારી વેબસાઈટ jj.dadabhagwan.org પર મેળવી શકો છો. તેમ યાદીમાં જણાવાયું છે.