કચ્છના માંડવી, દ્વારકા, મહુવા અને ઉનામાં અડધો ઈંચ કાલે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથમાં મીની વાવઝોડાની શક્યતા મોરબી : નૈઋત્યનું ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદી સિસ્ટમને કારણે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક ધીમે-ધીમે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું હોય હજુ પણ આગામી બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજીતરફ મંગળવારે સાંજ સુધીમાં રાજ્યના 59 તાલુકાઓમાં એક મીમીથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં મીની વાવઝોડાની શક્યતા વ્યક્ત કરી વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં નૈઋત્યના ચોમાસાની વિદાય ધીમે ધીમે આગળ ધપી રહી છે, જો કે, બીજી તરફ અરબી સમુદ્રમાં કચ્છના અખાત નજીક દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાથી નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે, ચક્રવાતી પરિભ્રમણ ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ દક્ષિણપશ્ચિમ તરફ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર તરફ ગતિ કરવાની શક્યતા છે. બીજીતરફ આવતીકાલે હવામાન વિભાગે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં મીની વાવઝોડાની શક્યતા વ્યક્ત કરી કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસવાની તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસવાની શક્યતા વ્યકત કરી વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.દરમિયાન મંગળવારે પણ સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ ધીમી મેઘસવારી ચાલુ રહી હતી. જો કે, મંગળવાર સાંજ સુધીમાં મેઘરાજાએ એક પણ સેન્ટરમાં અડધો ઈંચથી વધુ વરસાદ વરસાવ્યો ન હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ મંગળવારે સવારે છથી સાંજના છ વાગ્યા સુધીમાં કચ્છના માંડવી, સાબરકાંઠાના વિજયનગર, ભાવનગરના મહુવા, દ્વારકા અને ઉનામાં અડધો -અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ તેમજ અરવલ્લી સહિતના જિલ્લાના 59 સેન્ટરમાં એકથી નવ મીમી વરસાદ વરસ્યો હતો.