જખૌથી 260 કિ.મી અને નલિયાથી 280 કિ.મી. દૂર મોરબી : અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે છેલ્લા છ કલાકમાં આ વાવાઝોડાએ 20 કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું સામે આવ્યું છે. મહા વિનાશક વાવાઝોડામાંથી તીવ્ર વિનાશક વાવાઝોડામાં પરિવર્તિત થયેલુ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી ધીમે-ધીમે દૂર જઇ રહ્યું છે. જોકે દેવભૂમિ દ્વારકા ઉપરાંત જખૌ પોર્ટ, નલિયાની નજીક આવી રહ્યું છે. આજની સ્થિતિ અનુસાર વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 2 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે અને ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ જઇ રહ્યું છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા કાંઠે ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. છેલ્લા 6 કલાકમાં ધીમી ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 330 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 270 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 260 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 280 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 330 કિ.મી. દૂર હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે.