ગૃહમંત્રીના હસ્તે ધ્વજાજીનું પૂજન ; મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું મોરબી : કરોડો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર એવા ભગવાન દ્વારકાધીશના મંદિરે વાવાઝોડાનું સંકટ ચાલ્યું જતા ચાર દિવસ બાદ આજે સાંજે ધ્વજા ચડાવવામાં આવી છે. જેને લઈને ભાવિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. બિપર જોય વાવાઝોડાનું સંકટ પસાર થઇ ગયા બાદ આજે દ્વારકાધીશ મંદિરે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ધ્વજાજીનું પૂજન કર્યા બાદ ધ્વજા ચઢાવવામાં આવી છે. આ મંદિરે સળંગ ચાર દિવસ સુધી ભારે પવનના કારણે ધ્વજા ચડાવી શકાઈ નહોતી. ત્યારબાદ આજે ધ્વજા ચડાવવામાં આવતા ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ આજે સાંજે 5 કલાકે દ્વારકાધીશ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવતા ભાવિકોમાં આનંદ છવાયો છે.