વાવાઝોડું બિપોરજોય આજે સાંજ સુધીમાં કચ્છના જખૌ પાસે ટકરાશે મોરબી : મહા વિનાશક વાવાઝોડું બિપોરજોય આજે સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વચ્ચે કચ્છનો દરિયો ગાંડોતુર બન્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. બિપોરજોય બપોરથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં જખૌ બંદર પાસે ટકરાય તેવી શક્યતા છે. જ્યારે આ બિપોરજોય વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. આ વાવાઝોડું જ્યારે સંભવતઃ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક ટકરાય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 125થી 140 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ બિપોરજોય વાવઝોડું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ વ્યાપક અસર પહોંચાડી શકે તેમ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ છેલ્લા 6 કલાકમાં 6 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તીવ્ર ચક્રવાતી તોફાન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. એ સમયે આ વાવાઝોડું પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિ.મી., દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 210 કિ.મી., જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 180 કિ.મી, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 210 કિ.મી. અને કરાચીથી દક્ષિણ દિશામાં 270 કિ.મી. દૂર હતું. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ 16 અને 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં તથા રાજસ્થાનના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને ભારે પવનો ફૂંકાઈ શકે છે.