મોરબીના ત્રણ આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં એટીએમથી ઉપાડી કૌભાંડીઓને મોકલતા : બાદમાં ક્રિપ્ટો - યુએસડીટીમાં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલાતા હતામોરબી : ગુજરાત સાયબર ક્રાઈમ એક્સલન્સ સેલની ટીમે સાયબર ફ્રોડમાં મ્યુલ બેન્ક એકાઉન્ટ મારફતે મેળવેલા કરોડો રૂપિયા બીટ કોઈન અથવા તો યુએસડીટીમાં ટ્રાન્સફર કરી પાકિસ્તાન મોકલવાનું જબરદસ્ત કૌભાંડ ઝડપી લીધું છે. આ ચોંકાવનારા કૌભાંડમાં સુરતના સૂત્રધારની ધરપકડ બાદ સાયબર ક્રાઈમ પોલીસે મોરબીના ત્રણ, સાવરકુંડલાના એક અને સુરતના એક શખ્સને ઝડપી લીધા છે. કૌભાંડીઓ દ્વારા સાયબર ક્રાઈમ કરી મેળવેલા આ નાણાં પાકિસ્તાન ટ્રાન્સફર કરતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પીઆઇ ડોડીયા સહિતની ટીમે ડિજિટલ ઍરેસ્ટ તેમજ જુદી જુદી સાયબર છેતરપિંડી દ્વારા મ્યુલ બેન્ક એકાઉન્ટમાં મેળવવામાં આવેલ કરોડો રૂપિયા વાયા દુબઈ થઈ પાકિસ્તાન મોકલવાનું નેટવર્ક ભેદી મોરબીના ત્રણ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વધુમાં સાયબર ફ્રોડ મારફતે મેળવેલા નાણાં પાકિસ્તાન મોકલવાના દેશના પ્રથમ બનાવમાં સાયબર ક્રાઈમ ટીમે સુરેન્દ્રનગર લખતર માર્કેટિંગ યાર્ડમાં શિવમ નામની પેઢી ઉભી કરનાર મૂળ મોરબીના હાલ લખતર રહેતા મહેન્દ્ર સોલંકી, રૂપેન ભાટિયા, માણિયા રાકેશ, અને દેલવાડિયા રાકેશની ધરપકડ કરવાની સાથે મૂળ સાવરકુંડલા અને હાલમાં સુરત રહેતા પંકજ કથીરિયા અને વિજય રબારીની ધરપકડ કરી છે. મોરબીના ત્રણેય આરોપીઓ મ્યુલ એકાઉન્ટમાં જમા થયેલ રકમ એટીએમ મારફતે ઉપડવાનું કામ કરતા હતા.દરમિયાન સમગ્ર કૌભાંડમાં દુબઇ બેઠેલા શખ્સ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવતું હોવાનું અને પંકજ કથીરિયાના કહેવાથી લખતરની શિવમ ટ્રેડિંગ નામની પેઢીમાં નાણાં જમા થતા અને બાદમાં તાજેતરમાં સુરતમાં ઝડપાયેલા ચેતન ગાંગાણી દ્વારા આ નાણાં ક્રિપ્ટો કરન્સી અથવા યુએસડીટીમાં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલવામાં આવતા હતા. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા અંદાજે દસ કરોડ રૂપિયા પાકિસ્તાન મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હજુ પણ અનેક લોકોના નામ સામે આવે તેમ હોવજુ સાયબર ક્રાઈમ પોલીસે જાહેર કર્યું હતું.