અજાણ્યા શખ્સો ગોડાઉનનો પાછળનો દરવાજો તોડી 102 બાચકા જીરું વાહનમાં ભરી ફરાર: હળવદ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદહળવદ (મોરબી અપડેટ): હળવદ-મોરબી હાઇવે પર આવેલા ચરાડવા ગામની સીમમાં બીશેરો સીરામીક પાસે આવેલી બંધ ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી અજાણ્યા શખ્સો રૂ. 10.64 લાખની કિંમતના 102 બાચકા જીરાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર ખેડૂતે હળવદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ચરાડવા ગામે રહેતા અને ખેતી કરતા ઘનશ્યામસિંહ દેવુભાઈ પઢીયાર (ઉ.વ. 57) એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ચરાડવા ગામની સીમમાં ભવાની ઓઇલ મીલ આવેલી છે, જે હાલ બંધ હોવાથી તેનો ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે. તેમણે પોતાના ખેતરમાં પાકેલા જીરાના આશરે 2000 બાચકા આ ગોડાઉનમાં રાખ્યા હતા. ગત તારીખ 15/09/2026 ના રોજ સવારે તેમના ચોકીદારે ગોડાઉનમાં તપાસ કરતા પાછળના ભાગેથી જીરાના બાચકા ચોરાયા હોવાની શંકા ગઈ હતી. આથી તેમણે ગોડાઉનમાં જઈને તપાસ કરતા પાછળના દરવાજાનું હેન્ડલ તૂટેલું જોવા મળ્યું હતું અને બહાર કોઈ વાહનના નિશાન પણ જોવા મળ્યા હતા.ગણતરી કરતા ગોડાઉનમાંથી 55 કિલો લેખે કુલ 102 બાચકા (280 મણ) જીરું ગાયબ હતું, જેની બજાર કિંમત આશરે રૂ. 10,64,000 થાય છે. અજાણ્યા શખ્સો પાછળના દરવાજેથી આ જીરું કોઈ વાહનમાં ભરીને ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Halvad #Charadva #CrimeNews #Theft #GujaratPolice #HalvadPolice