માથા ઉપર ટેન્કર ફરી વળતા આધેડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત ટંકારા : મોરબી રાજકોટ હાઇવે પર મિયાણા નજીક શિવ પેલેસ હોટલ પાસે અઢાર વ્હિલ વાળા સિમેન્ટના મીક્ષર ટેન્કરે એક અજાણ્યા આધેડને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી છૂટ્યો હતો.જ્યારે પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધ આદરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ મોરબી હાઇવે પર મિયાણા જવાના રસ્તા પાસે આવેલ શિવ પેલેસ હોટલ પાસે રસ્તો ઓળંગવા જતા આશરે ૬૦ વર્ષના અજાણ્યા વૃદ્ધનું ટેન્કરની અડફેટે ચડી જતા મોત નીપજ્યું હતું. આધેડ મધ્યમ બાંધાનો તેમજ લંબગોળ ચહેરો ધરાવતો આશરે પાંચ ફૂટની હાઈટનો અને ઘઉંવર્ણી વાનનો છે. એમના શરીર ઉપર ત્રણ શર્ટ પહેરેલા છે. ભૂખરો, સફેદ તેમજ કાળા જેવા રંગના ત્રણ શર્ટની નીચે બ્લુ કલરનું અડધી બાયનું સ્વેટર અને લાઇનિંગ વાળું કાળું પેન્ટ પહેરેલું છે. અકસ્માત સર્જી નાસી જનાર ટેન્કર નં. GJ03 BV 0033ના ડ્રાયવરની ટેન્કર નંબરના આધારે શોધખોળ આદરી છે. જ્યારે ઉપરોક્ત વર્ણન વાળી વ્યક્તિના પરિજનોની માહિતી ટંકારા પો.સ્ટે. આપવા જણાવાયું છે. અકસ્માત સર્જી નાસી છૂટનાર ટેન્કર ચાલક વિરુદ્ધ મહમદઉસ્માન કાદરબક્ષ બ્લોચ પોલીસ તરફથી ફરિયાદી બન્યા છે. બનાવની વધુ તપાસ ટંકારા પો.સ્ટેના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. આર. એ. જાડેજા ચલાવી રહ્યા છે.