ઔરંગાબાદ પોલીસે ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ વર્ષ 2019નો મેમો મોકલી લોક અદાલતમાં હાજર રહેવા સમન્સ મોકલ્યું મોરબી : બાઈક ચાલકને ફોર વ્હિલનો મેમો, ફોર વ્હીલ ચાલકને બાઈના મેમો આપવા ઉપરાંત અન્ય વાહન ચાલકનો મેમો અન્યને મોકલવાના અનેક બનાવો ગુજરાતમાં બની રહ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં મહારાષ્ટ્ર પોલીસે મોરબીના આસામીને વર્ષ 2019માં ટ્રાફિક નિયમ ભંગ બદલનો દંડ ન ભરવા સબબ લોક અદાલતનું સમન્સ મોકલતા મોરબીના એક્ટિવા મોટર સાયકલના માલિક મૂંઝવણમાં મુકાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર રહેતા રમેશભાઈ કૈલા નામના આસામી મહારાષ્ટ્ર ગયા ન હોવા છતાં વર્ષ 2019માં ઔરંગાબાદ પોલીસે તેઓએ એક્ટિવા લઈને નીકળી ટ્રાફિક સિગ્નલ અને લેન તોડવા બદલ રૂપિયા 400નો દંડ ભરપાઈ ન કરતા આ મામલે આગામી તા.7 ના રોજ લોક અદાલતમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. જો કે, આશ્ચર્ય તો એ વાતનું છે કે મહારાષ્ટ્ર પોલીસે આપેલ દંડનો મેમો એક્ટિવા મોટર સાયકલનો છે ત્યારે સ્વાભાવિક રીતે જ કોઈ વ્યક્તિ મોરબીથી ઔરંગાબાદ સુધી એક્ટિવા લઈને ન જાય તે હકીકત છે ત્યારે હાલ તો લોક અદાલતના સમન્સને કારણે મોરબીના રમેશભાઈ કૈલાની મૂંઝવણમાં વધારો થયો છે.