મોરબી : શ્રાવણ માસને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચનાના શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. પવિત્ર મહિના દરમિયાન શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને સોમવારે ભક્તો મંદિરમાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સવારથી જ અગ્નેશ્વર મહાદેવ, સોતેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, અને કુબેરનાથ મહાદેવ સહિતના પૌરાણિક શિવાલયો ભોલેનાથના ભક્તોથી ગુંજી ઉઠ્યા હતા.શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દૂધાભિષેક, જલાભિષેક અને બિલીપત્ર અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી, વિવિધ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. ભગવાન ભોળાનાથને ફળો, ફૂલો અને અન્ય સુશોભન સામગ્રીથી આકર્ષક શણગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આજે સાંજે અનેક મંદિરોમાં મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.