શાકભાજી, ખાણીપીણી, પાન-ચાના ધંધાર્થીઓ,શોપિંગ મોલ, હેરકટિંગ સલૂન, ખાનગી સિક્યુરિટી એજન્સી, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચલાવતા ધંધાર્થીઓએ કોવિડ નેગેટિવ ટેસ્ટ સાથે રાખવો ફરજીયાત 31 મે સુધી અમલી નવું જાહેરનામું બહાર પડાયું મોરબી: ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 2005 અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 24 માર્ચ 2020ના દિવસે કોવિડ 19ને નિયંત્રણમાં લાવવાનું જાહેરનામું બહાર પાડવાની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટને આપી હતી. આ જાહેરનામું વખતો વખત થોડા ઘણા સુધારા સાથે સમયાંતરે અપડેટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે 31 મે સુધી અમલમાં રહેનાર એક જાહેરનામું અમલી બનાવાયું છે. તારીખ 5 મેથી 31મે સુધી અમલી રહેનાર આ જાહેરનામાં મુજબ શાકભાજીના છૂટક જથ્થાબંધ ધંધાર્થીઓ, હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ, ખાણીપીણીની લારી ગલ્લાવાળાઓ, રીક્ષા-ટેક્સી સહિત ભાડે ફરતાં વાહન ચાલકો, ક્લીનર, પાન-ચાના ગલ્લાવાળા, ચાની કીટલી, દુકાનવાળા, હેરકટિંગ સલૂન, બ્યુટીપાર્લર સંચાલક, કર્મચારીઓ, ખાનગી સીક્યુરિટી એજન્સીનાં ગાર્ડસ તથા સ્ટાફ, સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે, સુથાર, લુહાર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયનો શોપિંગમોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષમાં વિતરણ કરતાં વેપારીઓ, કર્મચારીઓએ કોવિડ નેગેટિવ ટેસ્ટ (આરટીપીસીઆર અથવા એન્ટીજન રિપોર્ટ) સાથે રાખવો જરૂરી છે. અન્યથા આઇપીસીની કલમ 188 મુજબ તથા લાગુ પડતી અન્ય કલમો હેઠળ કાનૂની કાર્યવાહી ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005ની કલમો 51થી 60ની જોગવાઈઓ હેઠળ શિક્ષાપાત્ર થશે. મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા મી.ના નગરપાલિકા વિસ્તાર તથા રવાપર, મહેન્દ્રનગર, ત્રાજપર, અમરેલી, શકતશનાળા તથા ટંકારા, જબલપુર અને ટંકારાના ગામોના મહેસુલી વિસ્તારમાં ઉપરોક્ત જાહેરનામું અમલી બનાવાયું છે.