મોરબીમાં માસુમ બાળકીની હત્યા કરનાર મહિલાને આજીવન કેદમાસુમ બાળકીને સોફા સાથે અથડાવી માથામાં ચોપડી ફટકારતા મૃત્યુ નીપજ્યું હતુંમોરબી : પત્ની સાથે અણબનાવ બાદ સુરતથી ફોટો પડાવવાને બહાને પોતાની જ પુત્રીને મોરબી લાવી પ્રેમિકા સાથે રાખનાર પતિની ગેરહાજરીમાં પતિની પ્રેમિકાએ માસુમ બાળકીને સોફા સાથે અથડાવી માથામાં ચોપડી મારતા મૃત્યુ નિપજવાની રહસ્યમય ઘટનામાં મૃતક બાળકીની માતાએ મોરબી પોલીસમાં પતિ, સસરા અને બાળકીની હત્યા કરનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ રહસ્યના આટાપાટા સર્જતી ઘટનામાં મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે મહિલાને આજીવન કેદની સજા ફટકારી 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.આ ચોંકવનારા કેસની વિગત જોઈએ તો સુરત ખાતે રહેતા અને હાલમાં પતિ સાથે અણબનાવ બાદ માવતરના ઘેર પાલનપુર ખાતે રહેતા રીનાબેન ધવલભાઈ ત્રિવેદીએ ગત તા.02-03-2018ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, જેઠ સંજયભાઈ અને સસરા માધવલાલ તેમજ પતિની પ્રેમિકા એવી મહિલા રશ્મિબેન દિવ્યેશભાઈ વરિયાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.13-10-2018ના રોજ તેણીનો પતિ ધવલ પુત્રી યસ્વી ઉ.2 વર્ષ 7 માસ વાળીને ફોટા પડાવવાને બહાને લઈને જતો રહેતા રીનાબેને પુત્રીને પરત મેળવવા અનેક ફોન પતિને કરવાની સાથે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવા કાર્યવાહી કરી હતી. સાથે જ સસરાને સમગ્ર હકીકત જણાવતા સસરાએ તેમનો પુત્ર ગમ હોવાનું જણાવી બાદમાં આરોપી ધવલને મોરબી ખાતે તેની પ્રેમિકા સાથે રહેવા વ્યવસ્થા કરી આપ્યાનો આરોપ લગાવ્યો હતો.બીજી તરફ રીનાબેનના જેઠ સંજયે 1 માર્ચ 2019ના રોજ યસ્વીનું રમતા રમતા પડી જતા મોરબી ખાતે મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવી મોરબી આવવા કહેતા રીનાબેન અને તેમના ભાઈ તેમજ માતા-પિતા મોરબી આવતા બાળકીનો મૃતદેહ જોઈ શંકા જતા ફોરેન્સિક પીએમ કરાવતા બાળકીની હત્યા થયાનું ખુલ્યું હતું.આ રહસ્યમય હત્યાના બનાવમાં સીટી બી ડિવિઝન પોલીસે રીનાબેનની ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો જો કે, તપાસમાં રીનાબેનના પતિની પ્રેમિકા એવી મહિલા રશ્મિબેન દિવ્યેશભાઈ વરિયાવાળાએ જ હત્યાને અંજામ આપ્યો હોવાનું સ્પષ્ટ બન્યું હતું અને મૃતક યસ્વીએ સોફા ઉપર લઘુશંકા કરતા માથું સોફા સાથે અથડાવી માથામાં પુસ્તક મારતા બાળકીનું મૃત્યુ થયાનું સામે આવ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલો તેમજ 30 મૌખિક, 33 દસ્તાવેજી અને બચાવપક્ષનો એક પુરાવો ધ્યાને લઈ આરોપી મહિલા રશ્મિબેન દિવ્યેશભાઈ વરિયાવાળાને કોર્ટે આજીવન કેદની સજાની સાથે 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.