મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કઝારીયા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવકના ભાઈનું કોલસા વિભાગમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા મૃત્યુ નિપજવાની ઘટનામાં પાંચ મહિના બાદ કન્વેયર બેલ્ટ ઓપરેટર વિરુદ્ધ મધ્યપ્રદેશ પોલીસે ફરિયાદી બની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલ કઝારીયા સિરામિક ફેકટરીમાં ગત તા.18 -11-2025ના રોજ અહીં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક વિશાલ સુરેશ કિરાડેનો નાનો ભાઈ વિશ્વાસ મોબાઈલ ચાર્જર આપવા આવ્યો હતો.આ સમયે કોલસોના બેલ્ટ પાસે ઉભો હતો ત્યારે કોલસો ખાલી થઈ ગયો હોવાથી ઓપરેટર આરોપી બીજેન્દ્ર રાજાવતને કોલસો ખાલી થઈ ગયો હોવાથી મશીન બંધ કરવા કહ્યું હતું.જો કે, આરોપી બીજેન્દ્રએ મશીન બંધ ન કરતા વિશ્વાસ કોલસાના મિલમાં ફસાઈ ગયો હતો જેથી બુમાબુમ કરતા આરોપી બીજેન્દ્રએ મિલ બંધ કરતા વિશ્વાસને ગંભીર ઇજાઓ સાથે પ્રથમ મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ મધ્યપ્રદેશના બડવાની ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા તા.25 -11 - 2025ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બડવાની પોલીસે ઝીરો નંબરથી આરોપી મશીન ઓપરેટર બીજેન્દ્ર રાજાવત કઝારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી મોરબી તાલુકા પોલીસને ફરિયાદ મોકલી આપતા તાલુકા પોલીસે પાંચ માસ જુના કિસ્સામાં ગુન્હો દાખલ કર્યો હતો.