રોડ પર જોયા વગર અચાનક જ ફેક્ટરીમાંથી પુરપાટ ઝડપે ડમ્પર રોડ પર ચડાવતા ગોઝારો અકસ્માત સર્જાયોહળવદ : હળવદ - મોરબી રોડ પર બે દિવસ પૂર્વે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક સાથે પાંચ પાંચ માનવ જિંદગીનો ભોગ લેનાર કાળમુખા ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. અકસ્માતમાં ઇજા પામેલા યુવકને સારવારમાં લઇ જતી વેળાએ ચરાડવા નજીક અચાનક જ રોડ પર ચડી આવેલા ડમ્પર ચાલકની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો હતો.હળવદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ બીએનએસ કાયદાની કલમો તેમજ એમવી એકટ મુજબ ગુન્હો નોંધ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.5ના રોજ રાત્રીના સમયે હળવદ નજીક અકસ્માતમાં ઇજા પામનાર યુવકને સારવારમાં મોરબી લઇ જતી વેળાએ ચરાડવા નજીક કિયા કાર નંબર જીજે - 36 - એએફ - 7075 સાથે ટ્રક ડમ્પર નંબર જીજે - 13 - એએક્સ - 5287 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી રોડ પર બન્ને તરફ જોયા વગર સીધો જ ટ્રક રોડ પર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.આ ગમખ્વાર અકસ્માતના પાંચ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા.આ ગોઝારી દુર્ઘટના અંગે હળવદ તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસી પ્રકાશભાઈ હમીરભાઈ ડઢૈયા ઉ.33 નામના યુવકે ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઉલ્લેખનીય છે કે, આ ગંભીર અકસ્માતમાં ડમ્પર ચાલક ઇટાનો સિરામિક ફેકટરીમાંથી બહાર નીકળી સીધો જ રોડની કટ્ટ તરફ જતા હળવદ તરફથી આવતી કાર ડમ્પરમાં ઘુસી ગઈ હતી.અકસ્માતમાં ફરિયાદી પ્રકાશભાઈ અને સાહેદ દિલીપભાઇને ઇજાઓ પહોંચી હતી.જ્યારે કારમાં બેઠેલા ભરતભાઇ પ્રભુભાઇ, પ્રેમજીભાઇ શંકરભાઇ, સુરેશભાઇ વિસાભાઇ, વિરમભાઇ ભીમાભાઇ તથા પરેશભાઇ દિલીપભાઇને ગંભી ઇજાઓ થતા પાંચેયના મૃત્યુ થયા હતા.અકસ્માત બાદ ટ્રક ડમ્પર ચાલક નાશી ગયો હતો.