મૃતક પરિણીતાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે તાલુકા પોલીસે હાથ ધરી કાર્યવાહી મોરબી : મોરબી તાલુકાના અણીયારી ગામે તાજેતરમાં પરણિતાએ અગન પછેડી ઓઢી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરણિતાની માતાએ મૃતકના પતિ, સાસુ અને સસરા સામે તેની દીકરીને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમા ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતા વિજુબેન નાગજીભાઈ ગેડાણીએ તેની દિકરી પાર્વતીબેનને પતિ સહિતના સાસરીયાઓએ મરવા માટે મજબુર કરી હોવાની ફરીયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે જમાઈ સંજય ગોવિંદભાઈ ગણેશીયી તેની દીકરી મૃતક પાર્વતીબેનને તું મને ગમતું નથી તેમ કહીને અવારનવાર ત્રાસ દેતા હતા. તેના સસરા ગોવિંદભાઈ બચુભાઈ ગણેશીયા તેમજ સાસુ ગીતાબેન પાર્વતીબેન તું કરિયાવરમાં કંઈ લઈને આવી નથી તને રાંધતા આવડતુ નથી તેવા ટોણા મારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેથી તેની દીકરી પાર્વતીબેને ઘરે જાત જલાવીને આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાની માતાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે પતિ, સાસુ અને સસરા સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.