વિધાનસભાના માઇક બદલીને નાના કરી નાખ્યા એ સારૂ થયું, પહેલા મોટા માઈક હતા તે અમને માર્યા છે એ શિયાળામાં હજુ દુઃખે છે : ધારાસભ્યhttps://youtu.be/bbbekOi9Rogમોરબી : મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિધાનસભા ગૃહમાં પ્રવચન આપ્યું હતું. જેમાં તેઓએ જૂની વિપક્ષ અને જનસંઘની વાતો તેમજ મોરબીના વિકાસની વાતો કરી હતી. તેઓએ કહ્યું હતું કે વર્ષ ૧૯૯૫થી અમે ચૂંટાયા ત્યારથી લઈ વર્ષ ૨૦૦૦ સુધી ખૂબ ત્રાસ હતો. વિધાનસભાના માઇક બદલાવવા પડયા હતા. આ માઇક બહુ મોટા હતા અને એ વખતે અમને જે માઈક માર્યા છે એ હજી શિયાળામાં દુઃખે છે.વિપક્ષે અમારા ૬૮ ધારાસભ્યો તોડયા હતા. અમે તો હજી વ્યાજ જ લઇએ છીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર તોડી હતી. અર્જુનભાઈ, રાઘવજીભાઈ અને કુંવરજીભાઈ તમે પૂરો હિસાબ લઈ લો તો અમને સંતોષ થશે. તમે તમારી ટીમ બનાવો અને એનું વળતર લો તો અમને જૂના ધારાસભ્યોને સંતોષ થશે. મને કહેતાં આનંદ થાય કે કોર્પોરેશનને રૂ.૨૨૦૦ કરોડ ફાળવ્યા છે. ગયા વખતના બજેટમાં કોર્પોરેશન જાહેર કરી. વર્ષો પહેલાં અમારો મોરબી કેનાલનો પ્રશ્ન હતો. એ કેનાલને ભૂપેન્દ્રભાઈની સરકારે રૂ. ૫૫ કરોડ આપીને આખી કેનાલને પાકી બનાવવાની વાત કરી છે.મોરબીના વિકાસ માટે હું નરેન્દ્રભાઈનો આભાર માનું છું કે વર્ષ ૨૦૦૭માં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હજીરાથી ગેસની લાઇન આપી હતી અને ત્યારે એ બોલ્યા હતા કે મોરબી ચાઇનાને હંફાવશે. મને કહેતાં આનંદ થાય કે મોરબી જિલ્લામાં ૩,૦૦૦ ફેક્ટરી છે. એમાં બહારના ૫,૦૦,૦૦૦ માણસો કામ કરે છે અને માત્ર સિરામિક જ નહિ પણ ઘડિયાળ, પ્લાસ્ટિક, પ્લાયવુડ, સનમાઈકા, કેમિકલના ઉદ્યોગ ચાલે છે. આજુબાજુ કચ્છ અને રાજસ્થાનમાંથી હજારો ટ્રક ત્યાં આવે છે અને એમને મોરબીનો ઉદ્યોગ રોજીરોટી આપે છે. એનો મોટામાં મોટો જશ નરેન્દ્રભાઈને જાય છે.જ્યારે મોરબીમાં હોનારત આવ્યું ત્યારે સંઘના સ્વયં સેવક તરીકે મેં નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું હતું. આપણે બધા નસીબદાર છીએ કે ૪૫ વર્ષમાં આપણને એવા મુખ્યમંત્રી મળ્યા હતા કે જેના ખિસ્સામાં ૧૦૦ રૂપિયા નથી જોયા. જ્યાં મળે ત્યાં જમતા અને જયાં કોઇ ટિકિટ લઈને લઈ જાય ત્યાં જાય. કોઈ તેડવા આવે તો તેમની સાથે જાય.હાલ વિપક્ષને વિરોધ કરતાં પણ આવડતો નથી. વિરોધ કરવાની કોઈ સીસ્ટમ તો હોવી જોઈએ ને! મેં મારા ૩૦ વર્ષના જાહેરજીવનમાં કોઈ ઘાસાસભ્ય ડૉક્ટર બની સીનસપાટા કરે એવું પહેલીવાર જોયું. તેનો વિરોધ કરો, દવાખાનાનો વિરોધ કરો, કામનો વિરોધ કરો, બધો વિરોધ કરો પણ બહાર નીકળીને સીનસપાટા ન કરવા જોઈએ. એ કોણ કરે? આપણે નાટકમાં ઉતર્યા હોય તો નાટક ભજવવાનું હોય પણ આપણે નાટકમાં નથી ઉતર્યા. આપણને ત્રણ લાખ મતદારોએ ધારાસભ્ય બનાવ્યા છે. વિરોધ પક્ષ ૧૦૦ ટકા મજબૂત હોવો જોઇએ પણ મને એવું લાગે છે કે વિરોધ પક્ષને વિરોધ કરતાં પણ નથી આવડતો. વર્ષો પહેલાં કચ્છથી વારંવાર પશુઓ આવતાં અને જેતપુર બાજુથી નીકળતાં ત્યારે બાબુભાઈ મેઘજી અમારા કાર્યકર્તા હતાં એમની સાથે અમે પશુને સાચવતાં હતાં. આ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આવ્યા પછી તમે કચ્છનું ડેવલપમેન્ટ જોયું છે. હું તેનો પ્રભારી હતો ત્યારે મેં જોયું હતું કે ઘરે ઘરે નરેન્દ્રભાઈના ફોટા રાખે, ' કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' એ નરેન્દ્રભાઈની દેન છે તેનો પણ આભાર માનવો પડે. આપણે નસીબદાર છીએ કે ૭૫ વર્ષ પછી આપણને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જેવા નેતા મળ્યા છે. કંઈ ન કરો તો વાંધો નહીં પણ વિરોધ તો ન કરો અને વિરોધ કરવો હોય તો પ્રજાના પ્રશ્ન માટે વિરોધ કરો. હમણાં જ મને કૉંગ્રેસના એક-બે કાર્યકર્તાએ પૂછ્યું કે, તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તો તમને ફાયદો શું? ૩૭૦ની કલમ નીકળી એ ફાયદો, રામ મંદિર બન્યું એ ફાયદો છે. મને કહેતાં આનંદ થાય છે કે, અમે ક્યાંય આધાપાછા થયા નથી. જનસંઘથી માંડી અને ત્રણ પેઢીમાં અમે એક જ લક્ષ રાખ્યો હતો કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ જ આગળ વધે અને તેમની પાછળ અમે જઈએ.