પાયલોટિંગ કરતી 3 ગાડીઓએ કરેલ હુમલાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવ્યોમોરબી : ગત તારીખ 14-04-2026 ની રાત્રે કચ્છ તરફથી માળિયા થઈને અમદાવાદ તરફ કતલના ઈરાદે ગૌવંશ ભરીને જતા એક આઈસર ટ્રકને ગૌરક્ષકોની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ધાંગધ્રા નજીક ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલા 38 ગૌવંશને મુક્ત કરાવી મહાજન પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી, કચ્છ ગૌરક્ષક અને ધાંગધ્રા ગૌરક્ષક ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગૌવંશ ભરેલી ગાડી નીકળવાની છે. આ બાતમીના આધારે ગૌરક્ષકો વોચમાં બેઠા હતા. દરમિયાન GJ06AT8168 નંબરનો આઈસર ટ્રક પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાઈવરે ટ્રક ફૂલ સ્પીડમાં ભગાડતા ગૌરક્ષકોએ માળિયાથી હળવદ થઈને ધાંગધ્રા નજીક સુધી પીછો કરી ટ્રકને આંતરી લીધો હતો.ટ્રકમાં ચેકિંગ કરતા અંદરથી ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલા 38 ગૌવંશ મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ ઘટનાસ્થળેથી 1 આરોપીને ઝડપી લીધો હતો. આ દરમિયાન ટ્રકનું પાયલોટિંગ કરતી આશરે 3 જેટલી કાર ત્યાં આવી પહોંચી હતી અને તેમાં રહેલા શખ્સોએ ગૌરક્ષકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જતા પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.આ અંગે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વાહન જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનમાં ધાંગધ્રા પોલીસ પ્રશાસન અને અધિકારીઓનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો. મુક્ત કરાવાયેલા તમામ 38 ગૌવંશને સુરક્ષિત રીતે મહાજનમાં મૂકવામાં આવ્યા છે. મોરબી, કચ્છ અને ધાંગધ્રાની ગૌરક્ષક ટીમોની આ સંયુક્ત કામગીરીથી અબોલ જીવોને નવું જીવન મળ્યું છે.#Morbi #MorbiUpdate #GauRakshak #CowRescue #VHP #BajrangDal #MorbiNews #GujaratPolice #AnimalRescue #Dhrangadhra