મોરબી: માળિયા-અમદાવાદ રોડ પર ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કતલખાને લઈ જવાતા 35 પશુઓના જીવ બચાવી લીધા હતા. આ કાર્યવાહીમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ (મોરબી), અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી, ગુજરાત), અને હિન્દુ યુવા વાહિની (ધાંગધ્રા)ના ગૌરક્ષકોને ગુપ્ત માહિતી મળી હતી કે, GJ06 AT 8168 નંબરની આઇસર ગાડીમાં 35 જેટલા પાડાને કતલ કરવાના ઈરાદે કચ્છ તરફથી માળિયા થઈને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે મોરબી બજરંગ દળના ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી.બાતમી મુજબની ગાડી માળિયાથી પસાર થતાં ગૌરક્ષકોએ તેનો પીછો કર્યો હતો અને ધાંગધ્રા નજીક વાહનને રોકાવ્યું હતું. પોલીસના સહયોગથી ગાડીની તપાસ કરતાં, તેમાં નાના-મોટા 35 પાડાને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. વાહનચાલકની પૂછપરછમાં જણાયું હતું કે, તેની પાસે પરમિટ નહોતી અને તે આ જીવોને કચ્છથી ભરીને કતલ કરવાના ઈરાદે અમદાવાદ લઈ જઈ રહ્યો હતો. પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડી, ગાડી કબજે કરી અને તમામ જીવોને મુક્ત કરાવ્યા હતા. આ મામલે ધાંગધ્રા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.