ગૌ સેવકોએ પીછો કરતા ડ્રાઇવર બોલેરો મૂકી નાસી છૂટ્યો, પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેરથી બોલેરોમાં ભરીને કતલખાને લઈ જવાતા બે બળદને ગૌ સેવકોએ બચાવ્યા છે. ગૌ સેવકોએ બોલેરોનો પીછો કરતા તેનો ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. બાદમાં ગૌ સેવકોએ આ મામલે માળિયા પોલીસ મથકમાં ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે ચાર વાગ્યે વાંકાનેરથી બોલેરો પીકઅપમાં ગૌ વંશ ભરી તેને કતલ માટે અજીયાસર ગામે લઈ જવામાં આવનાર હોવાની ગૌ સેવકોને બાતમી મળતા તેઓ વાંકાનેર વોચમાં હતા. તે દરમિયાન એક બોલેરો પીકઅપ ગાડી નંબર GJ 12 AY 3136 નીકળતા તેને ગૌસેવકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પણ બોલેરો ચાલકે વાંકાનેરથી માળીયા હાઈવે ઉપર ફુલ સ્પીડમાં ગાડી ભગાડી હતી. જો કે આ દરમિયાન ગૌ સેવકો પણ તેમનો પીછો કરી રહ્યા હોય બોલેરો ચાલક અંજીયાસર ગામમાં ગાડી છોડીને ભાગી ગયો હતો. બાદમાં ગૌ સેવકોએ મોરબી પોલીસ કંટ્રોલને જાણ કરીને તેમના સહયોગથી માળિયા પોલીસને સાથે રાખીને અંજીયાસર ગામમાથી ગાડીને પકડી પાડી છે. આ મામલે ગૌ સેવક અને મોરબી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કે.બી. બોરીચાએ કાયદેસરની કાર્યવાહી કરીને માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કામમાં માળીયા પોલીસ પરિવારનો સારો સહયોગ મળ્યો હતો. ગૌ વંશને કતલખાને જતું રોકવાના આ ભગીરથ કાર્યમાં ઝાંબાઝ ગૌરક્ષકો હરેશભાઈ ચૌહાણ- ચોટીલા, દીપકભાઈ-વાંકાનેર તેમની ટીમ, રઘુભાઈ ભરવાડ - લીમડી, કે.બી બોરીચા- વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ, ચેતનભાઈ પાટડીયા- વિશ્વ હિન્દુ પરિષદ, વિજયભાઈ કુંભારીયા- વિશ્વ હિન્દુ પરિષદ, ઈશ્વરભાઈ કણજારીયા- બજરંગ દળ પ્રમુખ, પાર્થભાઈ નડીયા- ગૌરક્ષક પ્રમુખ, વૈભવભાઈ પટેલ- વિશ્વ હિન્દુ પરિષદ, સિધ્ધરાજસિંહ પરમાર, મનીષભાઈ સહિતના જોડાયા હતા.