22 દિવસથી કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં 150થી વધુ દર્દીઓ સાજા નરવા થઈ હસતા મોઢે ઘેર પહોંચ્યા મોરબી : કોરોના મહામારીની બીજી વેવમાં જાણે મોરબીમાં સાક્ષાત યમરાજ લોકોને લેવા આવ્યા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મોરબીમાં જરૂરિયાતમંદ લોકો માટે સમાજસેવામાં હરહંમેશ ખડેપગે રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તાકીદે કોવિડ કેર સેન્ટર શરુ કરી છેલ્લા 22 દિવસથી કોરોના દર્દીઓની સારવાર શુશ્રુષા કરવામાં આવી રહી છે અને અનેક લોકો અહીં સારવાર બાદ સાજા નરવા થઇ હસતા મોઢે ઘેર પહોંચ્યા છે. મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત સર્વજ્ઞાતિય કોવિડ કેર સેન્ટર છેલ્લા 22 દિવસથી 100 બેડ સાથે તમામ નાત-જાત-ધર્મ-પ્રાંતના લોકો માટે રફાળેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળામાં કાર્યરત છે. જેમાં દર્દીનારાયણની સેવામાં 24 કલાક ડોકટર, મેડિકલ સ્ટાફ, ઓક્સિજન બેડ, દવા, ઇન્જેક્શન, બંને સમય ભોજન-નાસ્તો, દિવસમાં ચાર વાર વિટામિન-સી યુક્ત જ્યુસ, ફ્રુટ આપવામાં આવે છે. તેમજ તેનાથી પણ વિશેષ દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેમને કોરોનાથી ભયમુક્ત વાતાવરણ મળે એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં 250થી વધુ તમામ જાતિ અને ધર્મના દર્દીઓએ ઘર જેવા વાતાવરણમાં સેવા મેળવી છે અને તેમાંથી અત્યાર સુધી 150થી વધુ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ સ્વજનોની પાસે તેમના ઘરે પરત ફર્યા છે. હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે, એ ટાળવાનું માનવીના હાથમાં નથી પણ આ કપરી પરિસ્થિતિમાં સેવા કરવાનો મોકો ઈશ્વરે આપ્યો અને તેમના આશીર્વાદ થકી અનેક પરિવારોની સેવા કરી શકવા બદલ કોવિડ કેર સેન્ટરની ટીમ અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરી વહેલામાં વહેલી તકે મોરબીમાંથી કોરોના વિદાય લે તેવી પ્રાર્થના કરી છે.