મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ નજીક બનેલો બનાવ : ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ મોરબી : જર, જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું ઉક્તિને સાર્થક કરતા બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ નજીક ફળિયામાં દીવાલ બનાવવા બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ચાર પિતરાઈ ભાઈઓએ ભી ઉપર તલવાર અને લાકડીથી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલા મફતિયા પરામાં રહેતા રાજેશભાઇ સવજીભાઇ પીપળીયા સાથે તેમના જ પિતરાઈ ભાઈ એવા શંકર બાબુ પીપળીયા, અશોક બાબુ પીપળીયા, ચંદુ બાબુ પીપળીયા અને કેતન બાબુ પીપળીયા કોળીએ રહેણાંક મકાનના ફળીયામા દીવાલ બનાવવા બાબતે તકરાર ચાલતી હોય તે બાબતે ઝઘડો કરી તલવાર અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા રાજેશભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે રાજેશભાઈની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.