આઠ વર્ષ પૂર્વે રિસામણે ગયેલી પત્નીને આશરો આપવા બદલ મહિલા ઉપર કર્યો હતો જીવલેણ હુમલોમોરબી : મોરબીમાં રિસામણે ગયેલી પત્નીને આશરો આપવા બાબતે બે શખ્સોએ એક મહિલા ઉપર તલવારથી હુમલો કર્યો હતો. જે બદલ કોર્ટે બન્ને આરોપીને 10- 10 વર્ષની સજા ફટકારી ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2017માં ફરિયાદી રેશમાબેન ગિરીશભાઈ વિડજાએ આરોપી ભીમાભાઈ રૂપાભાઈ પરમાર અને અશોકભાઈ રૂપાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભીમાભાઈની પત્ની કાંતાબેન રિસામણે હતા. અને તેઓ રેશમાબેનના પરિચિત હતા. જેથી તેઓએ આશરો આપ્યો હતો. જે બદલ બન્ને આરોપીએ ઝઘડો કરી તલવરથી હુમલો કર્યો હતો. જેમાં રેશમાબેનને માથા ઉપર ઇજા થઇ હતી. તેમજ ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે બન્ને આરોપી વિરૂદ્ધ કલમ 307, 326, 504, 506 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે રેશમાબેનની જુબાની, મેડિકલ એવીડન્સ અને એફએસએલ રિપોર્ટ ધ્યાને લઇ બન્ને આરોપીને 10-10 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત બન્ને આરોપીને રૂ.31-31 હજારનો દંડ ફટકારી તેમાંથી રૂ. 50 હજાર રેશમાબેનને વળતર પેટે ચૂકવવાનો પણ ઓર્ડર કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા.