મોરબી: મોરબીની એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે હાથ ઉછીની આપેલી રકમના બદલમાં મળેલો ચેક પરત ફરવાના કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પ્રવીણભાઈ ખોડાભાઈ શેરસીયાને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમજ ચેકની રકમ કરતા ડબલ ચૂકવવા આદેશ કર્યો છે. કેસની વિગત મુજબ, આરોપી પ્રવીણભાઈ ખોડાભાઈ શેરસીયાએ તેમના મિત્ર ભટ્ટ નલિનકુમાર નટવરલાલ પાસેથી હાથ ઉછીની રકમ લીધી હતી. આ રકમ પરત કરવા માટે આરોપીએ આપેલો ચેક બેંકમાંથી વણચૂકવાયેલો (રીટર્ન) થયો હતો. ત્યારબાદ, ફરિયાદી ભટ્ટ નલિનકુમાર દ્વારા આરોપી વિરુદ્ધ કલમ-૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ફરિયાદી વતી મોરબી જિલ્લાના ધારાશાસ્ત્રી અને નોટરી નીતિનકુમાર અમૃતલાલ પંડ્યા તથા ધારાશાસ્ત્રી યાજ્ઞિકા મનસુખભાઈ દેવમોરારીએ ધારદાર દલીલો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને, નામદાર કોર્ટે તા. 06/10/2025 ના રોજ આરોપી પ્રવીણભાઈ ખોડાભાઈ શેરસીયાને દોષિત ઠેરવ્યા હતા અને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત, કોર્ટે ફરિયાદીને ચેકની બાકી નીકળતી રકમ રૂ. 3,10,000ની ડબલ રકમ એટલે કે રૂ. 6,20,000 ફરિયાદની તારીખથી વાર્ષિક 9% વ્યાજ સહિત વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો આરોપી આ વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે, તેવો પણ હુકમ કરવામાં આવ્યો છે.