મોરબી : મોરબી કોર્ટે ચેક રિટર્નના એક કેસમાં આરોપીને દોષિત ઠેરવી ૧૮ માસની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને ચેકની રકમ રૂપિયા ૩,૫૦,૦૦૦ નો દંડ તથા ફરિયાદની તારીખથી ૯% વ્યાજ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.કેસની વિગત મુજબ, ફરિયાદી જીગરભાઈ અમૃતલાલ દરજી અને આરોપી રમેશભાઈ ચૌધરી મહેસાણાના વતની હતા અને વર્ષોથી પારસ્પરિક સંબંધો ધરાવતા હતા. આ સંબંધના કારણે આરોપીએ સને ૨૦૧૨ થી ૨૦૧૬ દરમિયાન ફરિયાદી તથા તેમના માતા પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૨૦,૫૦,૦૦૦ (વીસ લાખ પચાસ હજાર પુરા) ની હાથ ઉછીની રકમ લીધી હતી.બાદમાં ફરિયાદીને પૈસાની જરૂર પડતાં તેમણે રકમની માંગણી કરી. આથી, આરોપીએ ટુકડે-ટુકડે રકમ ચૂકવી આપવાનો વિશ્વાસ આપીને સમજૂતી કરાર કર્યો હતો અને તે કરાર મુજબ ફરિયાદીને કુલ ચાર ચેક આપ્યા હતા. આ પૈકીનો રૂ. ૩,૫૦,૦૦૦/- નો એક ચેક ફરિયાદીએ પોતાની બેંકમાં જમા કરાવ્યો હતો, જે વણચૂકવ્યો પરત થયો હતો. ચેક રિટર્ન થતાં ફરિયાદી જીગરભાઈએ આરોપીને નોટિસ આપી હોવા છતાં રકમની ચુકવણી ન થતાં તેમણે આરોપી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.આ કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ પી. પી. શાહની કોર્ટમાં ચાલી ગયો. કોર્ટે ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા પુરાવાઓ, દલીલો અને ચુકાદાઓને ધ્યાને લઈને આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરીને દોષિત ઠેરવ્યા અને સજાનો હુકમ કર્યો. તેમજ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો આરોપી દંડની રકમ ચૂકવવામાં કસૂર કરશે, તો તેને વધારાની બે માસની કેદની સજા ભોગવવી પડશે. આ કેસમાં ફરિયાદી જીગરભાઈ દરજી તરફથી મોરબીના વકીલ મયુર પી. પુજારા રોકાયેલા હતા. તેમ તેમની યાદીમાં જણાવાયું છે.