ટંકારામા બે વર્ષ પૂર્વે પાડોશી સાથેના ઝઘડમાં ફરિયાદ કરવા ગયેલા ફરિયાદીને માર માર્યો હતો ટંકારા : ટંકારા શહેરમાં બે વર્ષ પૂર્વે પાડોશી સાથે ઝઘડા બાબતે ફરિયાદ કરવા ગયેલા ફરિયાદીને માર મારી કાનનો પડદો ફાડી નાખનાર હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ટંકારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા આરોપી હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો નોંધવા આદેશ કર્યો છે. આ કેસની વિગત જોઈએ તો ટંકારામાં રહેતા દિગુભાઈ કરશનભાઇ સોલંકીના પત્નીને ગત તા. 15 - 2 - 2020ના રોજ પાડોશી સાથે ઝઘડો થતા દિગુભાઈ ફરિયાદ નોંધાવવા માટે ટંકારા પોલીસ મથકે ગયા હતા જ્યા હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ જેઠાભાઇ પરમારે ફરિયાદ નોંધવાને બદલે ઊલટું ફરિયાદી દિગુભાઈને માર મારી કાનના પડદા ફાડી નાખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદી દિગુભાઈએ ટંકારા તાલુકા કાનૂની સેવા સતા મંડળના વકીલ મારફતે નામદાર કોર્ટમાં આરોપી હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ પરમાર વિરુદ્ધ ગુન્હો નોંધવા અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા તમામ આધાર પુરાવા ચકાસ્યા બાદ આરોપી હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ પરમાર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504 અને 506 (2) મુજબ ગુન્હાના કામે સમન્સ ઈશ્યુ કરવા હુકમ કર્યો હતો.