મોરબી : મોરબીના ખાનપર ગામે અમૃતિયા પરિવાર આયોજિત રામ કથામાં આજે રામ- સીતાના વિવાહ પ્રસંગે આયોજકે પોતાના પુત્રના સાચા લગ્ન કરાવ્યા હતા. આ વેળાએ મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ રહી હતી. મોરબીના ખાનપર ગામે ધરમશીભાઈ અમૃતિયા દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામધન આશ્રમના રતનબેન વ્યાસસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાના આજે છઠ્ઠા દિવસે રામ- સીતાના વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો. જેમાં આયોજક ધરમશીભાઈના પુત્ર રૂપેશભાઈએ રામ બનીને તેમજ ધૂનડા ખાનપર ગામના ભગવાનજીભાઈ મોરડીયાની પુત્રી જલ્પાબેને સીતા બનીને સાચા લગ્ન કર્યા હતા. આમ અમૃતિયા પરિવારે જાકમજોળ અને ઠાઠ માઠથી પોતાના પુત્રના લગ્ન કરાવવાના બદલે રામ કથાના ધાર્મિક પ્રસંગે પોતાના પુત્રને લગ્નગ્રંથિમાં જોડી સમાજને એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.