પાણીના પ્લાન્ટ ખાતે આટો મારવા ગયેલા ભાગીદારને પાડોશી કારખાનાના શ્રમિકે નવા વર્ષે ધોકા ફટકાર્યામોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા કારખાનેદાર પોતાના પત્ની સાથે જોધપર નદી ગામે આવેલ પાણીના પ્લાન્ટ ખાતે આટો મારવા જતા તેમના કારખાનાની બાજુમાં આવેલ ફેકટરીના શ્રમિક પોતિયું વાળીને બહાર બેઠા હોય આ રીતે ન બેસાય તેમ કહેતા બે શ્રમિકોએ નવા વર્ષે જ ધોકા વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત દંપતીને સારવારમાં ખસેડવુ પડ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે ભાગીદારીમાં સંગમ બેવરેજીસ નામનું પાણીનું કારખાનું ધરાવતા ફરિયાદી દિનેશભાઇ ભીખાભાઇ દેકાવાડિયા અને તેમના પત્ની મુકતાબેન રહે.મહેન્દ્રનગર, પ્રભુકૃપા ટાઉનશીપ, મોરબી વાળાઓ ગઈકાલે સાંજના સમયે તેમના કારખાને આટો મારવા ગયા હતા. આ સમયે તેમના કારખાનાની બાજુમાં આવેલ મારુતિનંદન પોલીપેક કારખાના બહાર જુલા ઉપર આરોપી બિંદભાઈ પોતિયું વાળીને બેઠો હોય જેથી દિનેશભાઇએ તેમના કારખાનામાં મહિલાઓ કામ કરતા હોય આ રીતે બેસવાની ના પાડતા આરોપી બિંદભાઈ અને અર્જુનભાઈએ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને લાકડાના ધોકા વડે બન્ને પતિ પત્નીને માર મારતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવા પડ્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.