વાંકાનેર: વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે તરકીયા ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 1,30,150 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ બાતમીના આધારે પોલીસે તરકીયા ગામની સીમમાં 'શેખડો' તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે રૂ. 1,20,000ની કિંમતનો 600 લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. આ ઉપરાંત, દારૂ બનાવવા માટે તૈયાર કરાયેલ 200 લીટર ગરમ આથો અને 200 લીટર ઠંડો આથો પણ મળી આવ્યો હતો, જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.આ દરોડામાં પોલીસે ત્રણ આરોપીઓ તરકીયા ગામના વિજયભાઈ ભુપતભાઈ મકવાણા, વિપુલભાઈ ભુપતભાઈ મકવાણા, અને ચોટીલાના નાળીયેરી ગામના વિશાલભાઈ રવજીભાઈ મકવાણાની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.