40 ટકા મિલકતો ઉપર કલેક્શન માટે જવાનું હોતું નથી છતાં બિલમાં 100 ટકા મિલકતો ગણીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કાઉન્સિલર ભરતભાઇ જારીયાની ચીફ ઓફીસરને ધગધગતી રજુઆત : કાર્યવાહી નહિ થાય તો કાનૂની માર્ગ અપનાવવાની ચીમકી મોરબી : મોરબી પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શનમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો ખુદ કાઉન્સીલર ભરતભાઇ જારીયાએ આક્ષેપ કર્યો છે.શહેરની 40 ટકા મિલકતો ઉપર કલેક્શન માટે જવાનું હોતું નથી તેમ છતાં 100 ટકા મિલકતો બતાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતું હોવાનું જણાવી તેઓએ ચીફ ઓફિસરને રજુઆત કરીને વિજિલન્સ તપાસની માંગ ઉઠાવી છે. મોરબી પાલિકાના કાઉન્સિલર ભરતભાઇ સામતભાઈ જારીયાએ ચીફ ઓફિસરને રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી પાલિકાના સેનિટેશન વિભાગ હસ્તક જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી કરવામાં આવે છે. તેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. કારણકે ડોર ટુ ડોર કલેક્શનનું બિલ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો ત્યારથી હાઉસ ટેક્સ વિભાગમાં નોંધાયેલ મિલકતો મુજબનું બિલ ચુકવવામાં આવી રહ્યું છે. ખરેખર ડોર ટુ ડોર મોટાભાગના વિસ્તારોમાં થતું જ નથી અને જે વિસ્તારોમાં થાય છે. તેમાં પણ બે કે ત્રણ દિવસે એક વખત થાય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે નગરપાલિકાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. સામુહિક રીતે આ ભ્રષ્ટાચાર ચલાવવામાં આવી રહ્યો છે. જેનો આધાર લઈને બિલ ચૂકવવામાં આવે છે. તે હાઉસ ટેક્ષ વિભાગમાં નોંધાયેલી 75 હજાર મિલકતોને ગણી તે પ્રમાણે બિલ ચુકવવામાં આવે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે હાઉસ ટેક્સમાં નોંધાયેલી મિલકતો પૈકી 20 ટકા પ્લોટની નોંધ છે. 10થી 20 ટકા સ્થળ ઉપર બંધ છે. તેમાં આશરે 40 ટકાથી વધુ મિલકતો ઉપર કલેક્શન માટે જવાનું થતું પણ નથી. તેમ છતા 100 ટકાના બીલથી છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા કરારની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કલેક્શન માટે અપાતા વાહનોના મેઈન્ટેનન્સ વગર વારાફરતી બંધ હાલતમાં ઓફિસના પાછળના ભાગમાં મૂકી દેવામાં આવે છે. રજુઆતમાં અંતમાં જણાવાયુ હતું કે આ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ કરાવવામાં આવે અને અગાઉ ચૂકવાયેલા બીલોની સઘન ચકાસણી કરવામાં આવે તેવી માંગ છે. જો આ મામલે કોઈ કાર્યવાહી નહિ થાય તો કાનૂની રાહ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.