મોરબી : મોરબીમાં મચ્છુ-2 સિંચાઇ યોજનાના કેનાલના કામમાં ગુનાહિત બેદરકારી તેમજ ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત અરજી દ્વારા કરી છે. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાની મચ્છુ–2 સિંચાઇ યોજનાની કેનાલને લિફ્ટ ઇરિગેશનમાં તબદીલ કરવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જે કામ ઘણા સમય થયા ચાલી રહ્યું છે. જે કામની ગતિ ખુબ જ ધીમી છે. જેના કારણે ખેડૂતો પરેશાન છે. આ ધીમી ગતિ શા કારણે છે? તેના માટે જવાબદાર કોણ છે? તેની તપાસ કરાવીને જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવાં માગણી કરાઈ છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે, તેવી ચીમકી આપી છે. તેમજ આ કેનાલના કામમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થતો હોવાની ચર્ચા છે. તો આની તપાસ કરાવીને જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરવા પણ માગણી કરાઈ છે. વધુમાં, આ કામ પૂર્ણ ન થવાના કારણે ચાલુ સિઝનમાં રવીપાકનું વાવેતર થઈ શકેલ નથી. જેના કારણે આ કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને મોટું આર્થિક નુકશાન જવા પામેલ છે. તેમજ રાષ્ટ્રને ઉત્પાદનમાં પણ ખોટ આવેલ છે અને હજુ પણ ઉનાળુ સિંચાઇ થાય તેવું પણ લાગતું નથી. તો આના માટે જવાબદારોની જવાબદારી નક્કી કરીને તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માગણી કરાઈ છે.