લોકમાતા મચ્છુ નદીમાં ગટરના પાણી વહેવાથી મચ્છુ -3 ડેમનું પાણી પીવા લાયક ન રહ્યુંરામઘાટ, એવન્યુ પાર્ક અને મણીમંદિર પાસેના સુએજ પંપિંગ સ્ટેશન લાંબા સમયથી બંધમોરબી : મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી લોકમાતા મચ્છુ નદીના સૌંદર્યને વધારવા માટે નગરપાલિકા સમયથી રિવરફ્રન્ટ વિકસાવવાના દિવાસ્વપ્ન નાગરિકોને બતાવી રહેલ નગરપાલિકા બાદ મહાનગર પાલિકાનો દરજ્જો મળવા છતાં લોકમાતા મચ્છુ નદીને દૂષિત કરવાનું કામ યથાવત ચાલુ રહ્યું છે. લાંબા સમયથી શહેરના ગંદાપાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ સુએજ પંપિંગ સ્ટેશન બંધ હોવાથી શહેરની ગંદકી હાલમાં મચ્છુ નદીમાં ઠલવાઇ રહી છે. જો કે, તંત્ર આગામી એકાદ બે માસમાં જ ત્રણેય પંપિંગ સ્ટેશન ચાલુ થઈ જશે.સિરામિક નગરી મોરબીમાં ભૂગર્ભ ગટરની લેવલ વગરની કામગીરીને કારણે શહેરભરમાં ઠેર - ઠેર ગટર ઉભરાવાની સમસ્યા કાયમી બની છે ત્યારે ભૂગર્ભ ગટરના પાણીને સુનિયોજિત રીતે ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવાની કામગીરીમાં પણ દાયકાઓથી લોલમલોલ ચાલી રહી હોવાથી પ્રદુષિત પાણી સીધા જ શહેરની મધ્યમાંથી પસાર થતી લોકમાતા મચ્છુ નદીમાં ઠાલવાઈ રહ્યા હોવાથી શહેરની સુંદરતાને દાગ લાગવાની સાથે ભૂગર્ભ અને સપાટી પરના જળસ્રોત પ્રદુષિત થઈ ગયા છે. મોરબી નગરપાલિકા સમયથી શહેરના ભૂગર્ભ ગટરના પાણીને પંપિંગ કરી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવા શહેરમાં કુલ 12 સુએજ પંપિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે જ્યાંથી પંપિંગ કરી આ ગંદા પાણી પંચાસર નજીક આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચાડી બાદમાં ઓક્સીડાઈઝેશન કરી આ ગટરના પાણી ખેડૂતોને ખેતી માટે પહોંચડવામાં આવતું હોવાનું કાગળ પર ચિતરાયું છે.જો કે, હકીકતમાં શહેરમાં દૈનિક એકથી દોઢ એમએલડી એટલે કે,એકથી દોઢ લાખ લિટરથી વધુ પાણી પૈકી મોટાભાગના ગંદા પાણીને ખુલ્લી ગટરમાં વહાવી મચ્છુ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. હાલમાં કોર્પોરેશનના એવન્યુ પાર્ક, રામઘાટ અને મણીમંદિર નજીકના એસપીએસ એટલે કે સુએજ પંપિંગ સ્ટેશન સદંતર બંધ હોવાથી જુના મોરબી તેમજ આલાપ એવન્યુ વિસ્તારનું ગટરનું પાણી સીધું જ મચ્છુ નદીના ચોખા પાણીમાં વહી રહ્યું છે. એ જ રીતે લીલાપર રોડ તેમજ મચ્છુ-2 ડેમથી ડાઉન સ્ટ્રીમમાં અનેક કારખાનાઓના પાણી પણ મચ્છુ નદીમાં ઠલવાઇ રહ્યા હોવાથી પવિત્ર નદીના પાણી ખતરનાક સ્તરે પ્રદુષિત થઈ ગયા છે.ત્રણેય સુએજ પંપિંગ સ્ટેશન માટે ટેન્ડર ફાઇનલ થઇ ગયા પરંતુ ગંદા પાણી હજુ બે મહિના નદીમાં જ જશેમોરબી શહેરના મુખ્ય જુના વિસ્તાર તેમજ રવાપર રોડ વિસ્તારના ગટરના પાણી સુએજ પંપિંગ સ્ટેશનો બંધ હોવાથી મચ્છુ નદીમાં વહેવડાવવામાં આવી રહ્યા છે ત્યારે કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં રામઘાટ, એવન્યુ પાર્ક અને મણી મંદિર પાસે આવેલ સુએજ પંપિંગ સ્ટેશન કાર્યરત કરવા માટેના ટેન્ડર ફાઇનલ કરી લેવામાં આવ્યા છે અને આગામી એકાદ બે મહિનામાં પંપિંગ સ્ટેશનો કાર્યરત થયા બાદ ભૂગર્ભ ગટરના પાણી પંપિંગ કરી મહેન્દ્રનગર અથવા પંચાસર રોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોચતા કરવામાં આવશે.મચ્છુ 2 ઓવરફ્લો થતા ફીણના પહાડ સર્જાતા કોર્પોરેશનની પોલ ખુલી હતીચાલુ વર્ષે ચોમાસામાં મોરબી શહેર અને ગ્રામ્યમાં નવથી દસ ઈંચ જેટલા ભારે વરસાદ બાદ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવતા મચ્છુ 3 ડેમમાં પાણી પહોંચે તે પહેલાં જ જૂની આરટીઓ કચેરી સાહિતના સ્થળોએ પ્રદુષિત પાણીના કારણે ફીણના પહાડો સર્જાયા હતા.જે તે સમયે પ્રદુષણ વિભાગની તપાસમાં કોર્પોરેશન દ્વારા ટ્રીટમેન્ટ વગર જ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાનું જીપીસીબીની તપાસમાં સામે આવ્યું હતું.જો કે, તપાસ બાદ અસરકારક પગલાના અભાવે હજુ પણ કોર્પોરેશનની ગંભીર બેદરકારી ચાલુ રહેતા લોકમાતા મચ્છુ નદી અને મચ્છુ -3 ડેમ હાલ પ્રદુષિત બની ગયો છે.