મોરબી સિવિલમાં માત્ર 35 દર્દી ઓક્સિજન ઉપર, 6 વેન્ટિલેટરના સહારે ડિમાન્ડ ઘટતા સિરામિક એસોસિએશનનો ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો મોરબી : મોરબી જિલ્લામાં કાળ બનીને તાંડવ કરનાર કોરોના વાયરસ હવે હાંફયો હોય તેવી સ્થિતિ વચ્ચે સંક્રમણ ઘટી ગયું છે અને ડિસ્ચાર્જ થનારા દર્દીઓ વધતા ઓક્સિજનની માંગ ઘટી જતાં સિરામિક એસોસિએશન સંચાલિત પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો છે. બીજી તરફ એક સમયે હાઉસફુલ રહેતી સિવિલ હોસ્પિટલમાં પણ ખાટલા ખાલી ખાલી છે અને હવે માત્ર 35 દર્દીઓ જ ઓક્સિજનના સહારે હોવાનું સામે આવ્યું છે. મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બનીને ત્રાટકતા સરકારી, ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર હાઉસફુલ થઈ જતા કોરોના દર્દીઓને રાજકોટ જામનગર સારવાર માટે લઈ જવા પડતા હતા અને મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરત પડતા એક માસ પહેલાં દૈનિક 20 થી 22 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડતી હતી તે હાલ સંક્રમણ ઘટતા ઘટીને 7 થી 8 મેટ્રિક ટન થઇ જવા પામી છે. છેલ્લા 15 દિવસથી સતત સંક્રમણ ઘટી રહ્યું છે અને મોટાભાગના કોવિડ સેન્ટર બંધ થયા છે તો સિવિલ હોસ્પિટલ મોરબીમાં પણ દર્દીઓ ઘટી ગયા છે હાલમાં વેન્ટીલેટર ઉપરના દર્દીઓ ઘટવાની સાથે સિવિલમાં ફક્ત 35 દર્દીઓને જ ઓક્સિજન ઉપર રખાયા છે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં મોરબી જિલ્લામાં ઓક્સિજન માટે ભારે તંગી સર્જાઈ હતી અને જરૂરિયાતને પહોંચી વળવા રાજકોટ, ગાંધીધામ સુરેન્દ્રનગર તેમજ ભાવનગરથી ઓક્સિજન મંગાવવામાં આવતો હતો. જો કે આ કટોકટીના સમયે સિરામિક એસોસિએશને દૈનિક 1000 સિલિન્ડર ભરી શકાય તેવો ઓક્સિજન પ્લાન્ટ તાકીદે શરૂ કરી મોરબી જિલ્લાને ઓક્સિજન માટે આત્મનિર્ભર બનાવી દીધો છે. જો કે હાલમાં ઓક્સિજનની ખપત ઘટતા આ પ્લાન્ટ બંધ કરી દેવાયો છે.