ગંભીર સ્થિતિને પહોંચી વળવા 59.2 મેટ્રિક ટન ઓક્સિજનની ક્ષમતા : 100 વેન્ટિલેટર, 144 આઇસીયુ અને 2378 ઓક્સિજન બેડ ઉપલબ્ધ મોરબી : કોરોના મહામારીની બીજી લહેર વખતે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે મોરબી શહેર અને જિલ્લાએ મોતનું રીતસરનું તાંડવ નિહાળ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ઓમીક્રોન સ્વરૂપ અને ત્રીજી સંભવિત લહેર સામે આગોતરી તૈયારી કરી સજ્જ બન્યું છે. હાલમાં મોરબી જિલ્લામાં icu,વેન્ટિલેટર,ઓક્સિજન બેડની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનો દાવો સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના મહામારીની બીજી અત્યંત ઘાતક લહેર સમયે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને વેન્ટિલેટર વાળા બેડ તો ઠીક સાદા બેડની પણ વ્યવસ્થા ન હોવાથી લોકોને અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ અને જામનગર સુધી સારવાર મેળવવા જવું પડ્યું હતું. આ પરિસ્થિતિ વચ્ચે હવે જો કોરોનાનું ત્રીજું ઓમીક્રોન સ્વરૂપ જો ત્રાટકે તો તંત્ર પાસે પૂરતી તૈયારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ 750 સાદા બેડ, 2378 ઓક્સિજન બેડ, 144 આઇસીયુ બેડ અને 100 વેન્ટિલેટર ધરાવતા બેડ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. વધુમાં આરોગ્ય વિભાગ દ્વારા સીએચસી, ડીએચસી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ખાનગી અને પ્રાઇવેટ મળી કુલ 3372 બેડ ઉપલબ્ધ હોવાની સાથે મારૂં ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત 3902 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત મોરબી સીરામીક એસોશિએશન, ખાનગી ઓક્સિજન સપ્લાયર્સ અને સરકારી હોસ્પિટલમાં લગાવાયેલા ઓક્સિજન પ્લાન્ટ થકી 59.2 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ હોવાનું પણ જણાવાયું છે.આ ઉપરાંત ત્રીજી લહેરને પહોંચી વળવા જિલ્લામાં 12 ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ, હોમ આઇસોલેશન સાથેના 15 સંજીવની રથ, 45 ધન્વંતરિ રથ અને 3 શબવાહિની પણ ઉપલબ્ધ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાવમાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ ઉમેર્યું હતું કે, ઓમીક્રોન હોય કે કોરોનાની ત્રીજી લહેર હોય તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. icu,વેન્ટિલેટર,ઓક્સિજન બેડની પૂરતી વ્યવસ્થા સાથે વિદેશથી આવતા નાગરિકો માટે પણ ટેસ્ટિંગની તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, જિલ્લામાં અત્યાર સુધીમાં મોરબીમાં 18 લોકો વિદેશ પ્રવાસથી આવ્યા હોય તેમને કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી કરાવામાં આવી હોવાનું અંતમાં ઉમેર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..